Advertisement

‘મીડિયા ફેલોશિપ યોજના’ 2025-26 હેઠળ એસપી યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓને ગૌરવપૂર્ણ પસંદગી

‘મીડિયા ફેલોશિપ યોજના’ 2025-26 હેઠળ એસપી યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓને ગૌરવપૂર્ણ પસંદગી

આણંદ: ગુજરાત સરકારના માહિતી કમિશનરની કચેરી દ્વારા અમલી ‘મિડિયા ફેલોશિપ યોજના’ ૨૦૨૫-૨૬ અંતર્ગત વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના બે તેજસ્વી વિદ્યાર્થીઓની મેરિટના આધારે પસંદગી કરવામાં આવી છે.

પત્રકારત્વ અને જનસંપર્ક ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર તથા માહિતી વ્યવસ્થાપન અંગે પ્રાયોગિક અનુભવ મળે તે હેતુસર આ ફેલોશિપ એનાયત કરવામાં આવે છે. આ યોજના દ્વારા પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સરકારી માહિતી તંત્ર સાથે સીધી રીતે કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થાય છે.

યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક (Post-graduate) કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરનાર નીચે મુજબના બે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે:

પંડ્યા તીર્થ રાકેશકુમાર – પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતે નિમણૂક.

ટેલર રીતુબેન રાજેશભાઇ – જિલ્લા માહિતી કચેરી, આણંદ ખાતે નિમણૂક.

અનુસ્નાતક પદવી ધરાવતા આ ઉમેદવારોને માસિક રૂ. ૨૦,૦૦૦/- નું ફિક્સ માનદ વેતન (Stipend) મળવાપાત્ર રહેશે. પસંદગી પામેલા ફેલોઝ સરકારી કચેરીમાં માહિતી મદદનીશ અથવા સિનિયર સબ એડિટર કક્ષાની સંપાદનલક્ષી તથા પ્રચાર-પ્રસાર સંબંધિત કામગીરી નિભાવશે.

વિદ્યાર્થીઓની આ પ્રતિષ્ઠિત ફેલોશિપ માટે પસંદગી થવા બદલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે હર્ષ વ્યક્ત કર્યો છે અને બંને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સરકારના માધ્યમો દ્વારા લોકકલ્યાણકારી યોજનાઓમાં જોડાઈ રાજ્યના વિકાસમાં યોગદાન આપે તે ગૌરવની બાબત છે.

Advertisement