આણંદ જિલ્લાના સોજીત્રામાં આવેલી GIDCમાં આજે રવિવારે(22 ફેબ્રુઆરી) ફાર્મા કંપનીના કેમિકલના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.પળવારમાં આગે રૌદ્ર સ્વરૂપ લીધું
સોજીત્રા GIDC સ્થિત એક એકમના કેમિકલ ગોડાઉનમાં આજે કોઈ અજ્ઞાત કારણોસર આગ લાગી હતી. ગોડાઉનમાં કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા. આ દ્રશ્યો જોઈને આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા શ્રમિકો અને સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો
ઘટનાની જાણ થતા જ પેટલાદ અને આસપાસના અન્ય ફાયર સ્ટેશનોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. પેટલાદ ફાયર વિભાગની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. કેમિકલ હોવાથી આગને કાબૂમાં લેવા માટે ખાસ ફોર્મ (Foam) નો પણ ઉપયોગ કરવામાં આવ્યો. આ સાથે આસપાસના એકમોમાં આગ ન પ્રસરે તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કેમિકલનો જથ્થો બળીને ખાખ થઈ જવાથી મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.તપાસના ચક્રો ગતિમાન
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ એફએસએલ (FSL) ની મદદથી આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.