Advertisement

સોજિત્રા: સોનાના બિસ્કીટ-તાંત્રિક લાલચમાં 1.63 કરોડની ઠગાઈ

સોજિત્રા: સોનાના બિસ્કીટ-તાંત્રિક લાલચમાં 1.63 કરોડની ઠગાઈ

સોજિત્રામાં ઇલેક્ટ્રોનિક્સનો શો-રૂમ ચલાવતાં એક વેપારીને તાંત્રિક વિધિ સહિતની સોનાના બિસ્કીટની લાલચ આપી છેલ્લાં સાત માસમાં રૂપિયા 1.63 કરોડની ઠગાઈ કરવાના ગુનામાં સોજિત્રા પોલીસે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.

આ ગુનામાં મદદગારી કરનારા મૂળ ત્રણોલના શખસને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લઈ સોજિત્રા પોલીસને સોંપ્યો હતો.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સોજિત્રા ગામના મહિ કેનાલ ઓફિસની સામે આવેલી હામી સોસાયટીમાં રહેતાં વ્યવસાયે વેપારી 33 વર્ષીય કામિલભાઈ ઇકબાલભાઈ વ્હોરાને સફીમહંમદભાઇ સબુરભાઈ વ્હોરા (રહે. સમીર પાર્ક સોસાયટી), તેમના પુત્ર સાહિલ સફીમહંમદભાઈ સબુરભાઈ વ્હોરા, પત્ની ઇમરાનાબેન તથા સિરાઝભાઇ મહોમદસઇદ વ્હોરા (રાજુ ઉર્ફે કચી) અને અયાન સિરાઝ વ્હોરા અને સફી કામિલ સહિત અન્ય શખસોએ બહાના કાઢીને રૂપિયા 8 લાખ ઉછીના લીધા હતા.

વધુમાં તેમને તાંત્રિક વિધિ કરવાના બહાને તેમજ સોનાની બિસ્કીટ આપવાની લાલચ આપીને અલગ-અલગ સમય દરમિયાન તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હતા.

જે અંતર્ગત ટોળકીએ તમારી ઉપર તાંત્રિક વિધિ કરી છે, જો તમે ડોક્ટર પાસે બતાવવા જશો તો મરી જશો તેવો ડર બતાવી આ ટોળકીએ કોર્ટનો હુકમ મેળવવા 7 લાખ, પરિવારને બચાવવાની ચોકી બનાવી આપવાનું કહી 9 લાખ , અવાર-નવાર બે મોંઢાવાળા સાપ, શેરવો તથા બાર નખવાળો કાચબો દેખાડી, આખા પરિવારને તાંત્રિક વિધિથી મારી નાંખવાની ધમકીઓ આપી રૂપિયા 1.68 કરોડ પડાવ્યા હતા.

આ ગુનામાં તમામ આરોપી પકડાઈ ગયા હતા. જોકે, મદદગારી કરનારો ફારૂકમીંયા ગુલામનબી મલેક (રહે. ત્રણોલ)નો નાસતો-ફરતો હતો. જેમાં તેનું નામ ખુલતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો.

Advertisement