સોજિત્રા તાલુકાનું ગાડા ગામ એક થયો: સર્વસંમતિથી થશે સરપંચ પસંદગી
આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચના મહત્વના પદ માટે ગામે ગામ ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ગયો છે ઉમેદવારો દ્ધારા પ્રચાર-પ્રસાર કરવાની હોડ જામી છે ખાટલા પરિષદો અને રાત્રિ બેઠકોનો દોર જામી રહ્યો છે. તેવા સંજોગોમાં સોજિત્રા તાલુકાના 3200 જેટલી વસ્તી ધરાવતા ગાડા ગામમાં ફોર્મ ભરવાની આખરી તારીખે વિવિધ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો કોઈએક સ્થળે ભેગા થઈ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગામમાં વેરઝેર અને વિવાદો ના થાય તે માટે સર્વ સંમતિથી સરપંચને બિનહરીફ ચૂંટવા માટે એકઠા થયા હતા.
જેમાં ગામના સરપંચ પદ માટે અનેક નામો ચર્ચાસ્પદ હતા. સરપંચ પદ માટે બક્ષીપંચ મહિલા સીટ હતી ગામમાં પટેલ અને ક્ષત્રિય જ્ઞાતિના સૌથી વધુ મતદારો છે અગાઉના વર્ષોમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સરપંચ પદે રહી ચૂક્યા હતા ત્યારે આ વખતે ગામના અગ્રણીઓ સતિષભાઈ સોલંકી, મનુભાઈ સોલંકી અને અંકુરભાઈ પટેલ સહિતના આગેવાનો એકત્ર થઈ વિચાર કર્યો કે સ્વ. વૈધ ભીખાભાઈ સોમાભાઈ રબારીએ ગામના દરેક સત્કર્મમાં દાન-દક્ષિણા કરેલ છે કોઈપણ સમાજમાં ગરીબ મધ્યમવર્ગીય કુટુંબની દિકરીના વિવાહ હોય કે મંદિરના બાંધકામ જેવા ગામની ભૌતિક સુવિધામાં વધારો કરવા દાનાર્પણ કરેલ છે તો તેમના દિકરા કનુભાઈ રબારીના ધર્મપત્નિ નામે જનુબેન રબારીની પસંદગી કરાઈ હતી સર્વાનુમતે કરાયેલ નિર્ણયને જન સમાજે વધાવી લઈ ગામને ચૂંટણી વિના સમરસ જાહેર કરાયું હતું
ઉલ્લેખનીય બાબત છે કે ગામમાં રબારી સમાજના માત્ર 10 ઘર અને 50 ઉપરાંત મતદારો છે ત્યારે ગ્રામજનોએ વિશ્વાસ મુકી સરપંચ પદનું સુકાન અલ્પ સમાજના અગ્રણીને સોંપવામાં આવતાં ગામે નાના સમાજની પણ કદર કરી સરપંચ તરીકેનો દરજ્જો આપ્યો છે જનુબેન તથા કનુભાઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતને સરકાર, ધારાસભ્ય અને સાંસદસભ્ય દ્ધારા વિશેષ અનુદાન આપવામાં પ્રાપ્ત થનાર છે તે ઉપરાંત શાસન દરમિયાન તમામ સમાજને સાથે રાખીને પ્રતિનિધિત્ત્વ કરીશું પાંચ વર્ષ સુધી ચુંટાયેલા સભ્યો સાથે મળીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામોત્કર્ષની યોજનાઓનો વ્યાપ વધારી ગામની સમૃદ્ધિના વધારો કરવાની સાથે રોડ,રસ્તા, પીવાના પાણી, શિક્ષણ અને ગામની સફાઈ જેવી પ્રાથમિક જરૂરિયાતો સંદર્ભે કાર્યો કરીશ એવું જણાવ્યું હતું.