સામરખા નજીક દારૂની મોટી હેરાફેરી પકડાઈ
સમગ્ર આણંદ જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આણંદ ગ્રામ્ય પોલીસને દારૂ પકડવામાં મોટી સફળતા મળી છે. જેમાં સામરખા-અજરપુરા રોડ સ્થિત એચ.એલ. પટેલ હાઈસ્કૂલ પાસે ઉભી રહેલી ટ્રકમાંથી પોલીસે રૂપિયા 80.95 લાખની મતાનો દારૂ ઝડપી પાડ્યો હતો. રસપ્રદ બાબત તો એ છે કે પોલીસે ઝડપી પાડેલા ડ્રાઈવરની પૂછપરછમાં તે ક્યાં સ્થળે દારૂ પહોંચાડવો તે માટે એક ફોનની રાહ જોઈને ઉભો હતો. શખસ મકાઈના ભુંસાની ગુણો વચ્ચે દારૂની પેટીઓ સંતાડી જઈ રહ્યો હતો.
આ અંગે વાત કરતા આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ સ્મિતેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સામરખા-અજરપુરા રોડ સ્થિત એચ.એલ. પટેલ હાઈસ્કૂલ પાસે ઉભેલી ટ્રકમાં દારૂ ભર્યો હોવાની બાતમી અમારી પોલીસની ટીમને મળી હતી. જેના આધારે અમે લોકો તુરંત જ પહોંચ્યા હતા. જ્યાં ટ્રક ઉભી હતી.
ટ્રકના ચાલકને તેનું નામ-ઠામ પૂછતાં જ તેનું નામ ગુરૂદેવસીંગ નવાબસીંગ ગીલ હોવાનું અને તે પંજાબના તરનતારનનો રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ટ્રકમાં શું ભર્યું છે તેમ પૂછતાં તેણે મકાઈના ભુંસાની ગુણો હોવાનું જણાવ્યું હતું. જોકે, બાતમી ચોક્કસ હોઈ પોલીસે ટ્રકમાં રહેલી 96 ગુણો હટાવી હતી. જેની આડમાં અધધધ.. કહી શકાય તેટલી માત્રામાં દારૂ મળી આવ્યો હતો.
રૂપિયા 80.95 લાખની કિંમતનો 11616 નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે તે અંગે પૂછપરછ કરતા દારૂ તેણે પંજાબથી ભર્યો હોવાનું અને આગળ ક્યાં પહોંચાડવો તેની જાણ નહોતી. તે ફોન આવે તેની રાહ જોઈને જ ઉભો હતો અને ત્યાં જ પોલીસ ત્રાટકી હતી. પોલીસે શખસની ધરપકડ કરી વિદેશી દારૂ, ટ્રક, બે મોબાઈલ, મકાઈની ગુણો સહિત કુલ રૂપિયા 1.01 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
ડિલીવરી આપવા માટે 50 હજાર ચૂકવ્યા હતા
પકડાયેલો શખસ ગુરૂદેવસીંગ ગીલ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેના ભાઈએ જ આ દારૂ ભરાવ્યો હતો અને તેની ડિલીવરી કરવા માટે તેને અલગથી રૂપિયા 50 હજાર ચૂકવ્યા હતા. જોકે, હાલમાં આ મુદ્દામાલ ક્યાં પહોંચાડવાનો હતો તે બાબત અંગે રહસ્ય છે.