સાદગીમાં મહાનતા: દેશના લોહપુરુષનું અનોખું જીવન
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હોવા છતાં મૃત્યુ સમયે તેમના બેન્ક એકાઉન્ટમાં માત્ર રૂ. 250 જેટલા જ હતાં, તેમની પાસે પોતાનું મકાન કે જમીન નહોતી-કરમસદની પિતૃજમીન પણ તેમણે ક્યારેય પોતાના નામે કરી નહોતી, જાણો તેમના વિશે
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર રાજકારણી નહોતા, પરંતુ અખંડ અને એકતાબદ્ધ ભારતના શિલ્પી હતા. તેમણે રાજકીય દૃઢતા, અવિચળ સિદ્ધાંતો અને અદભૂત સંગઠનશક્તિથી સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય એકીકરણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી. તેમની નિષ્કળંકતા અને અડગ ઈમાનદારીને કારણે આખો દેશ તેમને “લોખંડી પુરુષ” તરીકે ઓળખે છે. આજે તેમની જન્મ જયંતીએ જાણીએ સરદાર પટેલની પ્રમાણિકતા વિશે.
નિઃસ્વાર્થતા અને પ્રમાણિકતા
સરદાર પટેલનું સમગ્ર જીવન નિઃસ્વાર્થતા અને પારદર્શિતાનું જીવંત ઉદાહરણ હતું. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હોવા છતાં મૃત્યુ સમયે તેમના બેન્ક એકાઉન્ટમાં માત્ર રૂ. 250 જેટલા જ હતાં. તેમની પાસે પોતાનું મકાન કે જમીન નહોતી-કરમસદની પિતૃજમીન પણ તેમણે ક્યારેય પોતાના નામે કરી નહોતી. તેમની મિલ્કતમાં ફક્ત ખાદીના થોડા કપડાં, બે જોડી ચંપલ, નાનો રેડિયો અને એક લોખંડની પેટી હતી. તેઓ જાહેર નાણાંના એક-એક પૈસાનો હિસાબ રાખતા હતા. 1921માં અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસની મહાસભાના આયોજક તરીકે તેમણે દરરોજ જનતા સમક્ષ આવક-જાવકનો ખુલ્લો હિસાબ રજૂ કર્યો હતો-જે તેમની નિખાલસતા દર્શાવે છે.
મણિબહેન અને નેહરૂનો પ્રસંગ
સરદારના અવસાન પહેલા, કોંગ્રેસના લગભગ રૂ. 35 લાખ અને તેના હિસાબ-કિતાબની થેલી તેમણે પોતાની ભત્રીજી મણિબહેન પટેલને સોંપી, સૂચના આપી કે તે નાણાં જવાહરલાલ નેહરુજીને આપવાના. સરદારના અવસાન પછી મણિબહેને એ રકમ નેહરૂજીને આપી એવો ઉલ્લેખ ડો. વર્ગીસ કુરીયને પોતાના આત્મચરિત્રમાં કર્યો છે.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ ગુજરાતના નડીઆદ ખાતે તેમના મામાના ઘરે થયો હતો. વાસ્તવિક જન્મતારીખ નોંધાઈ ન હોવાથી મેટ્રિકની પરીક્ષામાં તેમણે પોતાનો જન્મદિવસ 31 ઑક્ટોબર તરીકે નોંધાવ્યો. તેમનો ઉછેર ખેડૂત કુટુંબમાં, કરમસદ ગામે થયો હતો. બાળપણથી જ દૃઢ સંકલ્પ અને પરિશ્રમ તેમનો સ્વભાવ હતો. સ્વઅભ્યાસથી કાયદાની ડિગ્રી મેળવી, સફળ વકીલ તરીકે તેમણે જાહેર જીવનની શરૂઆત કરી.
સત્યાગ્રહથી રાજકારણ સુધી
મહાત્મા ગાંધીજીના વિચારો અને અહિંસાના સિદ્ધાંતો વલ્લભભાઈને અત્યંત પ્રેરણાદાયી લાગ્યા. તેમણે ખેડા, બોરસદ અને બારડોલીના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજી રાજ સામે સત્યાગ્રહો કર્યા. ખાસ કરીને બારડોલી સત્યાગ્રહની સફળતા પછી સમગ્ર રાષ્ટ્રે તેમને “સરદાર”ની ઉપાધિ આપી. પછી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણીઓમાં સ્થાન પામ્યા અને સ્વતંત્રતા આંદોલનમાં અગ્રેસર રહ્યા. 1934 અને 1937ની ચૂંટણીઓમાં કોંગ્રેસને મજબૂત કરી, તેમણે ભારત છોડો આંદોલનમાં પણ અગત્યની ભૂમિકા ભજવી.
અંતિમ વર્ષો અને વારસો
15 ડિસેમ્બર 1950ના રોજ સરદાર પટેલનું અવસાન થયું, પરંતુ તેમની આદર્શવાદી જીવનશૈલી અને રાષ્ટ્રપ્રેમ અમર બની રહ્યા. આજે તેમના સ્મારકરૂપે "સ્ટેચ્યુ ઓફ યુનિટી" વિશ્વનું સૌથી ઊંચું પ્રતિમા બનીને ઉભું છે – જે ભારતની એકતા, અખંડતા અને લોખંડી ઈચ્છાશક્તિનું પ્રતિક છે.
આજે એકતાનગર બનશે રાષ્ટ્રીય એકતા દિવસનું કેન્દ્રબિંદુ
ભારતની અસ્મિતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશની નજર એકતાનગર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ પર કેન્દ્રિત થઈ છે. આ વર્ષે 31 ઓક્ટોબરે ઉજવાતો રાષ્ટ્રીય એકતા દિવસ એક ઐતિહાસિક અને અવિસ્મરણીય સમારોહનું સાક્ષી બનવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગૌરવસભર ઉપસ્થિતિમાં યોજાનાર આ ભવ્ય કાર્યક્રમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નને વધુ મજબૂત કરશે
.દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ભવ્ય ‘યુનિટી પરેડ’
આ વર્ષની ઉજવણીનું સૌથી મોટું આકર્ષણ બનશે ‘યુનિટી પરેડ’ જે પ્રથમવાર દિલ્હીના ગણતંત્ર દિવસની પરેડની તર્જ પર એકતાનગર ખાતે યોજાશે. વડાપ્રધાન મોદીની પ્રેરણાથી 2019થી સરદાર પટેલની જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અહીં સતત થઈ રહી છે, પરંતુ આ વર્ષે તેમાં નવી ભવ્યતા ઉમેરાઈ છે. આ ‘મુવિંગ યુનિટી પરેડ’માં સશસ્ત્ર દળો, અર્ધસૈનિક દળો તથા રાજ્ય પોલીસ ટુકડીઓ ભાગ લેશે. શૌર્ય, શિસ્ત અને અવિચળ દેશભક્તિથી ભરપૂર આ પરેડ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સંયુક્ત શક્તિનું પ્રતીકરૂપ બની રહેશે. પરેડમાં થતી ધ્વજારોહણ, બૅન્ડ પ્રસ્તુતિઓ અને વિવિધ દળોના પ્રદર્શનોથી સમગ્ર પરિસર રાષ્ટ્રપ્રેમના ઉર્જાવાન માહોલથી ગુંજી ઉઠશે.
એકત્વ’ થીમ આધારિત ટેબ્લો પરેડ
આ ભવ્ય સમારોહમાં આ વર્ષે પ્રથમવાર ટેબ્લો પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણીની સમાન તર્જ પર હશે. ‘એકત્વ’ (Unity)ની થીમ પર આધારિત આ ટેબ્લોમાં વિવિધ રાજ્યો અને સંગઠનોની વિશેષતાઓ, સંસ્કૃતિ, વિકાસ અને રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનનું પ્રતિબિંબ જોવા મળશે. આ પરેડમાં NSG, NDRF, આંદામાન-નિકોબાર, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, પુડ્ડુચેરી અને ઉત્તરાખંડ સહિત કુલ 10 ટેબ્લો રજૂ થશે. આ પ્રસ્તુતિઓ દેશના સાંસ્કૃતિક વૈવિધ્ય અને સામૂહિક શક્તિનું જીવંત ચિત્ર સર્જશે.
એકતાનગર-રાષ્ટ્રપ્રેમનું પવિત્ર તીર્થસ્થાન
રાષ્ટ્રીય એકતા દિવસની આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ રાષ્ટ્રના દરેક નાગરિકમાં સરદાર સાહેબના વિચારોથી પ્રેરણા લેવાનો અવસર છે. એકતાનગર આજે માત્ર એક સ્થળ નહીં, પરંતુ ભારતની એકતા, અખંડિતતા અને ગૌરવનું જીવંત પ્રતીક બની ગયું છે. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને સાકાર કરતી આ ઉજવણી નિશ્ચિતરૂપે આગામી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે.