સરકારનો આદેશ: ખનિજ વાહનમાં GPS ચાલુ રાખવું ફરજિયાત
રાજ્ય સરકાર દ્વારા ખનિજનું વહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી તેને સતત ચાલુ રાખવાનું ફરજિયાત કરી દેતા ખનિજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો ચિંતામાં મૂકાઇ ગયા છે. અનેક નિયમોનું કડક પાલન કરવાની સાથે સાથે હવે સરકારે નવો નિયમ અમલમાં મૂકતા છૂપો રોષ પણ ફાટી નીકળ્યો છે.
ખનિજ ઉત્પાદકો અને સરકાર વચ્ચે ખેંચતાણની શક્યતા
રાજ્ય સરકારના પરિપત્ર મુજબ હવે 15 ડિસેમ્બરથી રેતી, કપચી સહિતના ખનિજનું વહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ સતત ચાલુ રાખવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. દરેક જિલ્લાની ખાણખનિજ વિભાગની ઓફિસ દ્વારા તમામ ઉત્પાદકોને સૂચના આપી તેનો કડક અમલ કરવાનું જણાવ્યું છે અને તે સાથે એવી ચીમકીઓ પણ ઉચ્ચારી છે કે મુસાફરી દરમિયાન જીપીએસ બંધ હશે અથવા પૂરતો ડેટા નહી મળે તો રોયલ્ટી પાસ અને ચલણ નીકળશે નહી એટલે કે ખનિજ ઉત્પાદકો માટેની આખી સિસ્ટમ જ બ્લોક કરી દેવાશે.સરકાર દ્વારા હાલમાં 15 દિવસ સુધી થોડી છૂટછાટ આપી છે અને 30 ડિસેમ્બર સુધીમાં 80 ટકા ડેટા ફરજિયાત કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
સરકારની સૂચના મુજબ ખનિજ વહન કરતા તમામ વાહનોની આખી ટ્રિપ દરમિયાન જીપીએસ ડિવાઇસ ફરજિયાત ચાલુ જ રહેવું જોઇએ, જીપીએસ સાથે કોઇપણ પ્રકારના ચેડા કરવામાં આવશે તો ગાડી બ્લેક લિસ્ટ થઇ જશે. ખનિજ વહન માટેના કડક નિયમો અમલમાં આવતાં જ ખનિજનું ઉત્પાદન કરતા વેપારીઓમાં સરકાર સામે કકળાટ શરૂ થઇ ગયો છે.
પર્યાવરણ પ્રમાણપત્ર, ખાણ ખનિજ ખાતાના સ્ટાફની હેરાનગતિ ઉપરાંત અનેક પ્રશ્નો અને હવે જીપીએસ સિસ્ટમની જવાબદારી પણ ઉત્પાદકોના માથે નાંખી દેવામાં આવી છે.