વિસાવદર નગરપાલિકામાં વહીવટ અને રાજકીય પદાધિકારીઓ વચ્ચેનો વિવાદ હવે ખુલ્લી ઝપાઝપી અને પોલીસ ફરિયાદ સુધી પહોંચતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. પાલિકાના ટેન્ડર, હિસાબો સહિતના મુદ્દે ચીફ ઓફિસર અને પદાધિકારીઓ વચ્ચે તીખી બોલાચાલી બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
મળતી માહિતી મુજબ, આ વિવાદ દરમિયાન ચીફ ઓફિસર પી.જે. વઘાસીયા અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપી સુધી વાત પહોંચી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે વિસાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશ માંગરોળીયા સહિત બે શખ્સો સામે પોલીસમાં અરજી કરવામાં આવી છે.
આ તરફ, ભાજપના નગરસેવક દ્વારા પણ ચીફ ઓફિસર પી.જે. વઘાસીયા સામે પોલીસમાં અરજી કરવામાં આવતા મામલો વધુ ગૂંચવાયો છે. બંને પક્ષોએ એકબીજા સામે આક્ષેપો કર્યા હોવાથી સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની છે.
આ સમગ્ર ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નગરપાલિકા તંત્રની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જાહેર સ્થળે અને સરકારી કચેરીમાં આવી ઘટનાઓ બનતા નાગરિકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા અરજીઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે તપાસમાં કયા તથ્યો સામે આવે છે અને પાલિકા તંત્ર આ વિવાદમાંથી શું પાઠ લે છે.