વિદ્યાર્થીઓના હિતમાં પાઠ્યપુસ્તક મંડળની અનોખી પહેલ: પુસ્તક વિતરણ 100 ટકા
રાજ્યભરમાં તા. 26થી 28 જૂન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો તેમજ પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિતમાં શાળા પ્રવેશોત્સવ-2025 યોજાઈ રહ્યો છે.જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અનોખી પહેલ રૂપે રાજ્યમાં નવીન શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ શાળાઓની માંગણી મુજબ વિનામૂલ્ય પાઠ્યપુસ્તક યોજના હેઠળ ધોરણ 1 થી 12 ના પુસ્તક વિતરણની કામગીરી 100 ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના સતત માર્ગદર્શનમાં શૈક્ષણિક વર્ષઃ 2025-26 માટે વિનામૂલ્ય યોજના હેઠળ અંદાજીત 4.5 કરોડ પાઠ્યપુસ્તક અને કિંમતવાળા અંદાજીત 1.5 કરોડ પાઠ્યપુસ્તક આમ, કુલ 06 કરોડથી વધુ પાઠ્યપુસ્તકો રાજ્યના ધોરણ-1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ સુધી સમય પહેલા એટલે કે, શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જે તે શાળામાં પહોંચાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત ધોરણ-9 માં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વેકેશનમાં અગાઉથી જ અભ્યાસ કરી શકે તે માટે ધોરણ – 10 ના પુસ્તકો તેવી જ રીતે ધોરણ-11 માં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વેકેશનમાં વાંચન કરી શકે તે હેતુથી ધોરણ-12 ના પુસ્તકો એડવાન્સમાં આપવામાં આવે છે તેમ, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા જણાવવાયું છે.
વધુમાં દર વર્ષની જેમ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ -1 થી 8ના ગુજરાતી તેમજ અન્ય માધ્યમના અંદાજીત 2.5 કરોડથી પણ વધારે વિનામૂલ્યના તમામ પાઠ્યપુસ્તકોનું સમગ્ર રાજયમાં તાલુકાકક્ષાએ માંગણી મુજબ વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ધોરણ 9 થી 12 ના ગુજરાતી તેમજ અન્ય માધ્યમના અંદાજીત 02 કરોડથી પણ વધારે વિનામૂલ્યના તમામ પાઠ્યપુસ્તકો સમગ્ર ગુજરાત રાજયમાં શાળા વિકાસ સંકુલ કક્ષાએ શાળાઓ ખૂલે તે પહેલાં શાળાઓની માંગણી મુજબ વિતરણ કાર્ય 100 ટકા પૂર્ણ કરાયું છે.
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 1 થી 12 ના ગુજરાતી તેમજ અન્ય છ માધ્યમના પાઠ્યપુસ્તક તૈયાર કરીને સરકારી, બિન-અનુદાનિત, મોડેલ શાળા, કે.જી.બી.વી. અને તમામ વિભાગની આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓને સરકારશ્રીની વિનામૂલ્ય પાઠ્યપુસ્તક યોજના હેઠળ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે. તદ્ઉપરાંત સરકાર દ્વારા મંજૂર થયેલ સુમન શાળા, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અને સરકારી/બિન-અનુદાનિત શાળાઓમાં થયેલ વર્ગ-વધારાના વિદ્યાર્થીઓ માટેના પાઠ્યપુસ્તકો પણ સમયસર પહોંચાડવામાં આવ્યા છે. માર્ચ-2025માં બોર્ડની પરીક્ષા પૂર્ણ થયેથી વિતરકોની માંગણી મુજબ ધોરણ 10 અને 12 ના ગુજરાતી તેમજ અન્ય માધ્યમના કિંમતવાળા તમામ પાઠ્યપુસ્તકો બજારમાં પુરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
વધુમાં,કિંમતવાળા પાઠ્યપુસ્તકો મંડળમાં નોંધાયેલ તમામ જિલ્લાના 39 વિક્રેતાઓને પહોંચાડવાની કામગીરી તેઓની માંગણી મુજબ વિતરણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રથમવાર એક મહિનાથી ઓછા સમયગાળામાં રાજ્યના તમામ વિતરકોને 1.5 કરોડથી વધુ કિંમતવાળા પાઠ્યપુસ્તકો ગાંધીનગર ગોડાઉન ખાતેથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમાં ધોરણ-1 થી 12 ગુજરાતી માધ્યમના તમામ પાઠ્યપુસ્તકો માત્ર 7 દિવસમાં જ પ્રથમ અને દ્વિતીય તબક્કાનું આયોજન કરી જિલ્લાના 39 વિતરકોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પાઠ્યપુસ્તકો વિતરકો દ્વારા જિલ્લાના સ્ટેશનરી/વિક્રેતાઓ સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે ત્રીજા તબક્કામાં ધોરણ – 1 થી 12 ના ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય માધ્યમના કિંમતવાળા પાઠ્યપુસ્તકો વિતરકોને આપવાની કામગીરી કરવામાં આવી હતી. આમ, રાજ્યના તમામ વિતરકોને ધોરણ-1 થી 12 ના ગુજરાતી અને અન્ય છ માધ્યમના પાઠ્યપુસ્તકો તેઓની માંગણી મુજબ સમય પહેલા ઉપલબ્ધ કરાવાયા છે.
કિંમતવાળા પાઠ્યપુસ્તકો બજારમાંથી મેળવવામાં તકલીફ પડે તો મંડળના સેલ્સ ડેપો, નિર્ણયનગર, અમદાવાદ ખાતેના મોબાઈલ નંબરઃ 92277 17483 પર કચેરી સમય દરમિયાન ફોન/વોટ્સઅપ કરીને સંપર્ક કરવાથી છૂટક વેચાણમાં 12.5 ટકાના વળતર સાથે પુસ્તકો મળી રહેશે.
આ ઉપરાંત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ઓફિસ-ગોડાઉન-શાળાઓની માંગણી અને વિતરકોના ઓર્ડરની કામગીરી ઓનલાઈન પદ્ધતિ અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવતી હોવાથી છેલ્લા બે વર્ષથી પેપર ખરીદી પ્રક્રિયાને પારદર્શક રીતે કરીને પાછલા વર્ષોની સરખામણીમાં અંદાજીત રૂ. 225 કરોડની નોંધપાત્ર બચત થઇ છે. જેથી નવા અમલમાં આવનાર પાઠ્યપુસ્તકોની કિંમતોમાં 45 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે જેના પરિણામે અંદાજે રૂ. 32 કરોડથી વધુનો સીધો આર્થિક લાભ વિદ્યાર્થી-વાલીઓની સાથે રાજ્ય સરકારને પણ થશે તેમ મંડળ દ્વારા વધુમાં જણાવાયું છે.