વિદ્યાનગરમાં ગણેશચતુર્થીના પાવન દિવસથી નવરાત્રીની તૈયારીઓના શ્રીગણેશ
આગામી તારીખ 22મી સપ્ટેમ્બર ના રોજ થી નવરાત્રી પર્વનો પ્રારંભ થનાર છે. જેને આડે હવે માત્ર 25 દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે આણંદ-વિદ્યાનગર ખાતે શાન નવરાત્રીનું આયોજન કરનાર ભગતસિંહ ઓલ ઈન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા આજરોજ ગણેશચતુર્થીના પાવન દિવસે ગરબા ગ્રાઉન્ડ પર થાંભલી રોપી નવરાત્રીની તડામાર તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે.
આ થાંભલી રોપણ કાર્યક્રમમાં શાન નવરાત્રીના આયોજકો તેમજ સહયોગી સંસ્થાના પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર ને માત્ર સેવાના ઉદ્દેશ્ય સાથે આણંદમાં વિશેષ "શાન" નવરાત્રી"નું આયોજન કરનાર આયોજકો દ્વારા નવરાત્રીની આવકમાંથી ગરીબ અને અનાથ બાળકોને શિક્ષણ આપવામાં આવશે. તેમજ શહેરમાં ત્યજી દેવાયેલ, રસ્તે રઝળતી અશક્ત અને બીમાર ગાયો ની સેવા માટે ખર્ચ કરવામાં આવશે.