Advertisement

વડુચી માતા મંદિરમાં રાત્રે ચોરી! 67,500નાં દાગીના લૂંટાયા

વડુચી માતા મંદિરમાં રાત્રે ચોરી! 67,500નાં દાગીના લૂંટાયા

ખંભાત તાલુકાના લુણેજ ગામે આવેલા વડુચી માતાના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરોએ મંદિરના ગર્ભગૃહનું તાળું તોડી માતાજીની મૂર્તિ પરથી સોના-ચાંદીના આભૂષણો ચોરી લીધા હતા. ચોરાયેલા દાગીનાની કિંમત આશરે 67,500 રૂપિયા આંકવામાં આવી છે. ખંભાત ગ્રામ્ય પોલીસે આ અંગે ઘરફોડનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લુણેજ ગામનું વડુચી માતાજીનું મંદિર સમસ્ત ગામ અને આસપાસના વિસ્તારોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં સર્વ સમાજના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. મંદિરનું સંચાલન એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જયપાલભાઈ પ્રહલાદભાઈ જોષી છેલ્લા 22 વર્ષથી મંદિરના પૂજારી તરીકે સેવા આપે છે અને તેઓ પરિવાર સાથે મંદિરના કમ્પાઉન્ડમાં આવેલી એક રૂમમાં રહે છે.

ગત રાત્રિના સમયે કેટલાક તસ્કરો મંદિરમાં ઘૂસ્યા હતા. તેઓએ ગર્ભગૃહના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને માતાજીની મૂર્તિઓને પહેરાવેલા સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે 6 વાગ્યે પૂજા કરવા જાગેલા પૂજારી જયપાલભાઈને તેમની માતાએ મંદિરનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી. તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

ચોરીની જાણ થતાં જ પૂજારી જયપાલભાઈએ તાત્કાલિક ટ્રસ્ટીઓને જાણ કરી હતી. ટ્રસ્ટીઓએ ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મંદિરમાં સીસીટીવી કેમેરા ન હોવાથી, પોલીસે ડોગ સ્ક્વૉડ અને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદથી તસ્કરોને પકડવાની કવાયત તેજ કરી છે.

વડુચી માતાના મંદિરમાંથી કુલ 67,500 રૂપિયાના આભૂષણો ચોરાયા છે. જેમાં 5750 ગ્રામ વજનના ચાંદીના આભૂષણોનો સમાવેશ થાય છે, જેમાં આરતી, ત્રણ મુગટ, ત્રણ છત્તર, બે હાથ, એક આરતી, એક યંત્ર, છ પાદુકા, ત્રણ ત્રિશૂળ, છ ચોટલા અને એક ઢોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માતાજીની મૂર્તિના આંખ ઉપરના સોનાના નેત્ર, આંખની બે પાંપણો અને ચાર નથણી સહિત કુલ 5 ગ્રામ સોનાના આભૂષણો પણ ચોરાયા છે.

Advertisement