Advertisement

વટામણ રોડ પર કપરી ટક્કર! 2 વર્ષના બાળકનો અંત, 4 ઈજાગ્રસ્ત

વટામણ રોડ પર કપરી ટક્કર! 2 વર્ષના બાળકનો અંત, 4 ઈજાગ્રસ્ત

 બગોદરા-વટામણ હાઈવે પર શુક્રવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક હસતા-રમતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વેજલકા ગામ પાસે બાઈક અને હાર્વેસ્ટર મશીન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વર્ષના માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એક દંપતી પોતાના ત્રણ નાના બાળકો સાથે બાઈક પર સવાર થઈને જઈ રહ્યું હતું. આ દરમિયાન બગોદરા-વટામણ હાઈવે પર આવેલા વેજલકા ગામના પાટિયા પાસે બાઈક અને હાર્વેસ્ટર મશીન વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ અફરાતફરી મચી ગઈ હતી.

એકનું મોત, ચાર ઇજાગ્રસ્ત

આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે વર્ષના બાળકનું દુઃખદ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક પતિ-પત્ની અને અન્ય બે બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.

સારવાર માટે અમદાવાદ ખસેડાયા 

ઘટનાની જાણ થતા જ બગોદરા અને વટામણ લોકેશનની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તબક્કે તમામ ઈજાગ્રસ્તોને બગોદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી અને વધુ સારવારની જરૂરિયાત જણાતા, તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસ શરૂ અકસ્માતની જાણ થતા કોઠ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, ટ્રાફિક ક્લિયર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement