લપેટ–કાપ્યોની ગુંજ સાથે ચરોતરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી
સમગ્ર ચરોતરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ધીમો પવન હોવા છતાં પતંગરસિકોએ પતંગો ચગાવીને આનંદ મેળવ્યો હતો. આકાશમાં રંગબેરંગી પતંગોથી સમગ્ર આકાશ ભરાઇ ગયું હતું. જ્યારે આખો દિવસ દરમ્યાન લપેટ-કાપ્યોની બુમોની સાથે સંગીતની સુરાવલીઓ સતત વાગતી રહી હતી. સમગ્ર ચરોતરનું આકાશ જાણે આકાશી યુદ્ધમાં ફેરવાઇ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. આખો દિવસ પતંગો ચગાવ્યા બાદ ઢળતી સંધ્યાએ ચોતરફ અગાસીઓમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેથી ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
આણંદ શહેર અને જિલ્લામાં પણ ઠેરઠેર ઉતરાયણની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચરોતરમાં ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ પતંગરસિકો પોતપોતાના ધાબા ઉપર પહોંચી ગયા હતા અને પતંગ ચગાવવા માટેની સાથે સાથે સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવી દીધી હતી. સામાન્ય ઠંડા પવનો હોવાથી થોડી મુશ્કેલીઓ છતાં પણ બાળકોથી લઇને વયોવૃદ્ધો તમામ વયના લોગો પતંગ ચઢાવવા માટે ધાબા ઉપર જોવા મળ્યા હતા અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ ગયું હતું. સવારથી જ લપેટ.. કાપ્યો છે ની બૂમોથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. આ ઉત્તરાયણ માં બોલીવુડના જુના ફિલ્મી ગીતો અને નવા ગીતોની ધૂન સાથે પતંગરસિકો ઝુમી ઉઠ્યા હતા. ઉત્તરાયણના દિવસે અગિયારસ હોવાના કારણે સવારના સમયે ધાર્મિક ધૂનો પણ વાગી હતી. જેમાં ડાકોરનો નાથ મારો રાજા રણછોડ છે… ની ધૂને સૌ કોઇને ડોલાવ્યા હતા.
આ દિવસે પરંપરાગત વાનગીઓ જેવીકે મમરાના લાડુ, તલની ચીકી, સીંગની ચીકી, શેરડીની મોજ પણ માણી હતી. આ પર્વ પર મિત્ર વર્તુળ અને પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સવારે ગૃહિણીઓ રસોઇની તૈયારીઓમાં વ્યસ્ત હતી. જ્યારે માપસર પવન હોવાના કારણે બપોર પછી ગૃહીણીઓ પણ ધાબા ઉપર પતંગની મોજ માણવા માટે આવ્યા હતા. ઉત્તરાયણના દિવસે ખાસ કેટલાક સ્થળોએ બજારોમાં ઉંધીયા અને રસઝરતી જલેબીનું ધૂમ વેચાણ પણ થયું હતું. આખો દિવસ ખાણીપીણી અને પતંગના પેચ લગાવી પતંગરસિકોએ પતંગ ચગાવવાની મોજ માણી હતી.
ઉત્તરાયણના બીજા દિવસે પણ પવન સારો રહ્યો હોવાના કારણે પતંગરસિકો ખુબજ આનંદ અને ઉત્સાહ સાથે પર્વને ઉજવ્યો હતો. આખો દિવસ ઉત્તરાયણની મોજ માણ્યા બાદ સુરજ ઢળ્યા પછી જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો હતો. અગાસીઓમાં ફટાકડા અને નીતનવા રંગબેરંગી લેટેસ્ટ ડિઝાઇનવાળા ફટાકડાઓથી આકાશ રોશનીથી દિપી ઉઠ્યુ હતું.