રાષ્ટ્રીય પક્ષી દિવસ: આણંદ બન્યું 46 પક્ષી પ્રજાતિઓનું સુરક્ષિત આશ્રયસ્થાનa
આજે રાષ્ટ્રીય પક્ષી દિવસ. કુદરત સાથેના આપણા મૌન સંબંધની યાદ અપાવતો દિવસ. પક્ષીઓ માત્ર સુંદરતા નથી, પરંતુ પર્યાવરણનું સંતુલન જાળવનારા શાંત સૈનિક છે. આણંદ અને આસપાસના વિસ્તારોમાં પક્ષીઓની વિવિધતા આ વાતને સાબિત કરે છે.
એસ.પી. યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગના ફિલ્ડ સર્વે અને રિસર્ચ મુજબ આણંદ જિલ્લામાં કુલ 46 પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે. જેમાંથી 13 પ્રજાતિઓ યાયાવર પક્ષીઓ છે, જેમા ફ્લેમિંગો અને સારસ જેવી મહેમાન જાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે 33 પ્રજાતિઓ વર્ષભર અહીં વસવાટ કરતી સ્થાયી પક્ષીઓ છે.
આણંદમાં આખું વર્ષ પાણી ઉપલબ્ધ હોવાથી પોપટ, નીલકંઠ, ટિટોડી, મેના, નાનો ઘુવડ, લક્કડખોદક, મોર સહિત અનેક પક્ષીઓ સામાન્ય રીતે જોવા મળે છે. નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન દૂર દેશોમાંથી આવતાં યાયાવર પક્ષીઓ માર્ચ સુધી ચરોતર વિસ્તારમાં સુરક્ષિત આશ્રય મેળવે છે.
સ્થાયી પક્ષીઓ ખેતી વિસ્તારમાં જીવાત નિયંત્રણ, મૃતજીવ નાશ અને બીજ વિતરણ જેવી કુદરતી પ્રક્રિયાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તળાવો અને ઓછા માનવ હસ્તક્ષેપવાળા વિસ્તારોમાં ચિત્રલેખ બગલો, ખુલ્લી ચાંચવાળો બગલો અને કાળો ઇબિસ જેવા મોટા જળ પક્ષીઓ જોવા મળે છે.
પરંતુ વિકાસની અસર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. અગાઉ વન વિસ્તારમાં જોવા મળતો ગ્રે હોર્નબીલ હવે નેશનલ હાઇવે બાદ સોસાયટી વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે. તેમના કુદરતી આવાસમાં ખલેલ પહોંચી હોવાનો સંકેત છે.
વિશેષજ્ઞો ચેતવે છે કે મોબાઇલ એપ્સથી પક્ષીઓના અવાજ વગાડીને તેમને આકર્ષવાથી તેઓ ભ્રમિત થાય છે, આક્રમક બને છે અને તેમનું પ્રજનન ચક્ર ખોરવાય છે.
પ્રો. રૂપલ વસંત (બાયો સાયન્સ વિભાગ, એસપીયુ) મુજબ, “પક્ષીઓ આપણી પાસેથી અવાજ નહીં, શાંતિ અને સુરક્ષા માંગે છે.” રાષ્ટ્રીય પક્ષી દિવસે આપણે સૌએ તેમની સાથે સહઅસ્તિત્વ રાખવાની જવાબદારી યાદ રાખવી જરૂરી છે.