રાજ્યપાલ દેવવ્રતનો ખેડૂતોને સંદેશ: દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીના બી.એ.સી.એ. ઓડિટોરિયમ હોલમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા હાકલ કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિને વૈજ્ઞાનિક ખેતી ગણાવી તેની હિમાયત કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના ઉદ્બોધનમાં પ્રાકૃતિક કૃષિને ટકાઉ વિકાસનો માર્ગ ગણાવ્યો હતો અને તેને વિકસિત ભારત માટેનો આધારસ્તંભ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત ઝેરમુક્ત (રાસાયણિક ખેતી મુક્ત) રાજ્ય બને તે તેમનું મિશન છે. તેમણે રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવ અને પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મ જીવાણુઓના મહત્વ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, વર્તમાન અને ભવિષ્ય પ્રાકૃતિક કૃષિનું છે. જો સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો પૂર અને દુષ્કાળ જેવી સમસ્યાઓ ભૂતકાળ બની જશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી અભિયાનની પ્રેરણાને પ્રાકૃતિક કૃષિ સાથે જોડી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂત તરીકેના પોતાના અંગત અને જાહેર જીવનના વાસ્તવિક અનુભવો રસપ્રદ ઉદાહરણો આપીને વર્ણવ્યા હતા અને રાસાયણિક ખેતીની વિપરીત અસરોથી સૌને અવગત કર્યા હતા.
રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા ઈચ્છુક અથવા તાજેતરમાં શરૂ કરનાર ખેડૂતોને સોનેરી સલાહ આપતા જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોની પરિપૂર્તિ કરવાથી પ્રથમ વર્ષથી જ ઉત્પાદન અને આવક બંને વધવા લાગશે. તેમણે પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરવી, જીવામૃત-ઘન જીવામૃત અને પ્રાકૃતિક ખાતર કઈ રીતે બનાવવા સહિતના અનેક પાસાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરીને ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે માહિતીસભર અને તલસ્પર્શી જ્ઞાન તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલે પાક અને રોપાઓને લાગતી નિમાતોડ નામની બીમારીનો પ્રાકૃતિક કૃષિ થકી કાયમી ઉકેલ મેળવવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીએ છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા સફળ પ્રયોગો અને તે વર્ણવતી પુસ્તિકા બનાવવા બદલ યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં, રાજ્યપાલે ઉપસ્થિત સૌને પ્રાકૃતિક કૃષિ માટે શપથ લેવડાવી સંકલ્પબદ્ધ કર્યા હતા.