Advertisement

રાજકોટમાં ફરીવાર ‘ફર્ઝી’નું ભૂત ધુણ્યું

રાજકોટમાં ફરીવાર ‘ફર્ઝી’નું ભૂત ધુણ્યું

બનાવટી ચલણી નોટ સાથે પોરબંદરના પત્રકાર હિતેશ દાવડાની ધરપકડ

રાજકોટ શહેરમાં ફરી એકવાર શાહીદ કપૂરની વેબ સિરીઝ ’ફર્જી’નું ભૂત ધુણ્યું છે. અગાઉ બનાવટી નોટો છાપવાનું આખેઆખું મીની કારખાનું ઝડપાયા બાદ હવે બનાવટી 100 ના દરની ચલણી નોટ સાથે પોરબંદરના પત્રકાર હિતેષ દાવડાને રાજકોટ શહેર એસઓજીની ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપી રાણાવાવના વિજય નામના શખ્સ પાસેથી 50 ટકા કમિશનમાં બનાવટી ચલણી નોટ લઈ આવી રાજકોટમાં હોટલ, પાન-બીડીની દુકાન અને રીક્ષા ચાલકોને અનેક 100 ના દરની બનાવટી નોટ પધરાવતો હતો.રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડિસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બસીયા દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં ભારતીય બનાવટી (નકલી) ચલણી નોટોનો ખરા તરીકે ઉપયોગ કરતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન.વી.હરીયાણી, પીએસઆઇ વી.વી.ધ્રાંગુ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને મહાત્મા ગાંધી મ્યુઝીયમ કમ્પાઉન્ડમાં આવેલ ચરખા રેસ્ટોરન્ટ પાસે એક શખ્સ ઉભેલ છે અને તેની પાસે બનાવટી ચલણી નોટ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી ત્યાં હાજર શખ્સને પકડી લઈ તેનું નામ પૂછતા હિતેષ કનુ દાવડા (ઉ.વ.61, ધંધો-પત્રકાર, રહે, વાડી પ્લોટ શેરી નં.પ ઉકાભાઇની ઘંટી વાળી શેરી પોરબંદર) હોવાનું જણાવ્યું હતું.એસઓજીની ટીમે પકડાયેલ શખ્સ પાસેથી રૂપિયા 100 ના દરની 17 બનાવટી ચલણી નોટ સાથે અલગ અલગ ચલણી નોટ કબ્જે કરી તેની સઘન પૂછતાછ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બનાવટી ચલણી નોટ સાથે પકડાયેલ હિતેષ દાવડા પોતે પત્રકાર હોવાનું અને પોરબંદરમાં ન્યુઝ પેપર એજન્સી ધરાવતો હોવાની કબૂલાત આપી છે. ઉપરાંત પોતે રાણાવાવના વિજય નામના શખ્સ પાસેથી રૂપિયા 5,000 ની બનાવટી ચલણી નોટો મેળવી હતી જેમના તેને વિજય નામના શખ્સને રૂપિયા 2500 ચૂકવ્યા હતા. જે બાદ આરોપી બનાવટી ચલણી નોટો લઈને રાજકોટ આવ્યો હતો અને અહીં તેને અલગ અલગ હોટલો, પાન બીડીની દુકાનો તેમજ રીક્ષા ચાલકોને બનાવટી ચલણી નોટો પધરાવી દિધી હતી. હજું વધું બનાવટી ચલણી નોટો તે શહેરમાં ફેલાવે તે પહેલાં જ એસઓજીની ટીમે દબોચી લીધો હતો.

આરોપીએ કેટલી વાર રાજકોટ સહિતના અન્ય વિસ્તારોમાં પણ બનાવટી ચલણી નોટો આપી રોકડી કરી છે તે અંગેની વિગતો સામે લાવવાં આરોપીને 10 દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

બનાવ અંગે એસઓજી પીઆઇ એમ.જાડેજા, એન.વી.હરીયાણી, પીએસઆઇ વી.વી.ધ્રાંગુ, એએસઆઇ વિરેન્દ્રસિંહ ઝાલા, અરૂણ બાંભણીયા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, મૌલિક સાવલીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, મહાવિરસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલા, હરદેવસિંહ વાળાએ કામગીરી કરી હતી.

ઝડપાયેલો પત્રકાર જાગીર વિરાટ અને આદર્શ પરિવાર નામે સાપ્તાહિક અખબાર ચલાવતા હોવાનો ખુલાસો

પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, જાલીનોટ સાથે ઝડપાયેલ હિતેશ દાવડા પોરબંદરમાં જાગીર વિરાટ અને આદર્શ નામના સાપ્તાહિક ચલાવે છે. આ કથિત પત્રકાર પોરબંદરથી વિજય નામના શખસ પાસેથી રૂપિયા 5,000 ના દરની 50 જાલીનોટ લઇ વટાવવા માટે નીકળ્યો હતો અને તેમાંથી ઘણીખરી નોટો તેણે ટિકિટ ભાડા અને રેસ્ટોરન્ટમાં વટાવી પણ નાખી હતી. આરોપી આ પ્રકારનું કારસ્તાન કેટલા સમયથી આચરતો હતો અને તેમાં વિજય સિવાય અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ? સહિતની બાબતો અંગે તપાસ કરવા અને વિજય નામના આ શખસને પકડી પાડવા માટે આરોપીને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

અઢી હજારમાં પાંચ હજારની નકલી નોટો લીધાની કેફીયત

રૂપિયા 100 ના દરની 17 જાલી નોટ સાથે ઝડપાયેલા કથિત પત્રકાર હિતેશ દાવડાની એસોજીએ પૂછતાછ કરતા તે વિજય નામના શખસ પાસેથી આ જાલીનોટ લાવ્યો હોવાની કબુલાત આપી હતી. એટલું જ નહીં તેણે રૂપિયા અઢી હજારમાં પાંચ હજારની જાલીનોટ લીધી હોવાની પણ કબુલાત આપી હતી.

શહેર પોલીસની એસઓજી શાખાનો સપાટો

  • ત્રણ દિવસમાં એનડીપીએસના ત્રણ દરોડા બાદ બોગસ નોટોનું કૌભાંડ ઝડપી લેવાયુ

શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(એસઓજી) શાખાએ ત્રણ દિવસમાં એનડીપીએસના ત્રણ દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો. અગાઉ ભગવતીપરાની ઓરડીમાંથી રૂ. 1.68 લાખની કિંમતના 16.877 કિલોગ્રામ ગાંજા સાથે ઇનુષ ઘેલડ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બીજા દિવસે મધુરમ ઇન્ડસ્ટ્રીઝમાંથી મૂળ બિહારના વતની અને હાલ શાપર ખાતે રહેતો અભિજીત પાસવાનને રૂ. 1.27 લાખની કિંમતના 12.751 કિલોગ્રામ ગાંજા સાથે પકડી લેવાયો હતો. ત્યારબાદ ગઈકાલે સોરઠીયાવાડી બગીચા નજીકથી મુંબઈથી રૂ. 80,400 કિંમતનો 8.04 ગ્રાન મેફેડ્રોન ડ્રગ્સ લાવનાર ખોડિયારનગરના મનોજ રામદાસભાઈ દેસાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો. હવે સતત ચોથા દિવસે ચોથો દરોડો પાડી એસઓજીએ બનાવટી ચલણી નોટો સાથે પોરબંદરના પત્રકારને દબોચી લેવામાં આવ્યો છે.

Advertisement