મોદી બન્યા ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રાજકીય કરિયરમાં વધુ એક સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ ભારતના વડાપ્રધાન તરીકે સતત સૌથી લાંબા સમય સુધી સેવા આપવાનો 48 વર્ષ જૂનો ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઐતિહાસિક પળ ભારતીય રાજનીતિમાં વડાપ્રધાન મોદીના અપ્રતિમ યોગદાન અને દીર્ઘકાલીન પ્રભાવને રેખાંકિત કરે છે.
વડાપ્રધાન મોદીએ 24 જાન્યુઆરી, 1966 થી 24 માર્ચ, 1977 સુધીના ઇન્દિરા ગાંધીના 4,077 દિવસના અવિરત કાર્યકાળને પાછળ છોડીને 4,078 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ સાથે, તેઓ 1952માં યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણી પછી જવાહરલાલ નેહરુ (એપ્રિલ 1952 થી 27 મે, 1964) પછી વડાપ્રધાન પદે અખંડિત સેવા આપનાર બીજા સૌથી લાંબા સમયના વડાપ્રધાન બન્યા છે. આ સિદ્ધિ તેમના મજબૂત નેતૃત્વ અને કાર્યદક્ષતાનો એક વધુ પુરાવો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકીય કદ માત્ર વડાપ્રધાન પદ સુધી સીમિત નથી. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ 13 વર્ષ સુધી સેવા આપી ચૂક્યા છે, જે તેમને ભારતમાં સરકારના વડા તરીકે સૌથી લાંબા સમય સુધી ટોચના પદ પર રહેવાનો રેકોર્ડ પણ અપાવે છે. આ લાંબા કાર્યકાળ દરમિયાન, તેમણે ગુજરાતના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું, જેના પરિણામે રાજ્યે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ સાધી.
રાજકીય જીતની વાત કરીએ તો, વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં 2002, 2007 અને 2012માં ભાજપને સતત ત્રણ વિધાનસભા ચૂંટણીઓમાં ભવ્ય વિજય અપાવ્યો હતો. આ જ સિદ્ધિ તેમણે કેન્દ્રમાં પણ હાંસલ કરી છે, જ્યાં 2014, 2019 અને 2024ની સતત ત્રણ લોકસભા ચૂંટણીઓમાં તેમના પક્ષને વિજય અપાવી ટોચના સ્થાને પહોંચાડ્યો છે. આ અવિશ્વસનીય સિદ્ધિઓ વડાપ્રધાન મોદીના જનકલ્યાણકારી દ્રષ્ટિકોણ, મજબૂત નેતૃત્વ અને લોકોમાં તેમની અસાધારણ લોકપ્રિયતાનો પુરાવો છે.
વડાપ્રધાન મોદીનો આ રેકોર્ડ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે, જે ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.