મહેળાવના દોકરડાપુરાના ખેતરમાં પલળેલું ઘાસ ખાતા 12 પશુઓના મોત થયાની આશંકા
પેટલાદ તાલુકાના મહેળાવ ગામના દોકરડાપુરા વિસ્તારમાં ભરવાડ વાસમાં છુટ્ટા ચરતા પશુઓ દ્વારા કંઈક પદાર્થ ખાવામાં આવતા લગભગ ભેંસો તથા ગાયના મળીને કુલ 12 પશુઓના મોત થયા છે. જેની જાણ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલને થતા તત્કાલ સ્થળે પહોંચી જિલ્લાની પશુ આરોગ્ય ટીમોને બોલાવી બાકી બીમાર રહેલ પશુઓની સારવાર કરાવી પોલીસ વિભાગ તથા પશુ આરોગ્ય ટીમને પોસ્ટમોર્ટમ કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો હતોઆ અંગે મહેળાવ પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના મહેળાવ ગામના દોકરડાપુરા વિસ્તારમાં ગત રોજ બાજરીના ખેતરમાં પલળેલા પુળા ખાધા બાદ ટપોટપ બિમાર પડેલા દૂધાળા પશુઓમાંથી અત્યાર સુધીમાં 12 ના મોત થયા છે. જ્યારે ચારની સારવાર કરાઈ રહી છે. મહેળાવ ગામના દોકરડાપુરા નલકંઠ મહાદેવ પાછળ રહેતા મફાભાઈ આલાભાઈ ભરવાડનો પરિવાર વસવાટ કરે છે અને પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું અને પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ મફાભાઈ આલાભાઈ ભરવાડ અને તેમના નાના ભાઈ ગેલાભાઈની ગાયો-ભેંસો-પાડીઓ ચરાવવા માટે નજીકમાં આવેલ બાજરી કાપી લીધેલ ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં ગાયો -ભેંસોએ પલળેલા પુળા ખાધા બાદ રાત્રીના સુમારે એકાએક આફરો ચઢી જતા બિમાર પડવા લાગી હતી. જેથી તેઓએ અમૂલના પશુ ડૉક્ટરને બોલાવી સારવાર કરાવી હતી.
તેમ છતાં મોડીરાત્રીના બે વાગ્યાથી આજે બપોર સુધીમાં8 ભેંસો, 2 ગાયો અને 3 નાની પાડીઓના મોત થઈ ગયાહતા. ઘટનાની જાણ પેટલાદના પશુ ચિકિત્સકને કરવામાં આવતાં જ તેઓ - ત્યાં પહોંચી ગયા હતા અને ચારેક જેટલી ગાયોની સારવાર ચાલુ કરી દીધી હતી. જ્યારે મરણ પામેલ ગાય-ભેંસો-પાડીઓનું પોસ્ટમોર્ટમ કર્યુ હતુ. આ પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ પશુઓના મરણ કયા કારણ થયું છે તેની ખબર પડશે. પરંતુ એક સાથે 12 જેટલા દૂધાળા પશુઓના મોત નિપજતા પશુપાલકોને મોટુ આર્થિક નુકશાન થયું છે. પશુપાલક મફતભાઈ આલાભાઈ ભરવાડે આજાણ મહેળાવ પોલીસ મથકે ઘટનાની જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
ચોમાસામાં કુમળું ઘાસ ખાવાથી પશુઓને પોઇઝન થાય ચોમાસામાં ખુલ્લી જમીનમાં ઉગેલા કુુમળા ઘાસ ખાવાથી પોઇઝન થવાની સંભાવના છે. કારણે કે 15 દિવસનો તડકો ન મળ્યો હોય તેવા કુમળા ઘાસ ખાવાથી નાઇટ્રાઇટ પોઇઝન થવાની સંભાવના છે. આવું ઘાસ ખાવામાં આવે તો પણ પશુઓના મોત થાય છે. ત્યારે પશુપાલકોએ ચોમાસામાં પશુઓની ખાસ કાળજી રાખવી જોઈએ. ડો. વી. એસ. પટેલ પશુપાલન વિભાગ, આણંદ