મનપાએ શહેરમાંથી 2000 દબાણો દૂર કર્યા, પરંતુ 100 ફૂટ રોડનો ફૂટપાથ બન્યો દબાણમુક્તીથી વંચિત, મનપા સામે રોષ
કરમસદ આણંદ મનપા દ્વારા શહેરના 7 માર્ગો પરથી અત્યાર સુધી 2 હજારથી વધુ દબાણો દૂર કરીને ફૂટપાથ અને રસ્તા ખુલ્લા કરાયા છે. પરંતુ આણંદ શહેરના 100 ફૂટ રોડ પર સરદાર પોલીસ ચોકી થી લઇને અટલચોક સુધી 70 દબાણોમાં 20થી વધુ માથાભારે તત્વોના દબાણો હોવાથી મનપાની ટીમએ બાજુ ફરકતી નહીં હોવાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યાં છે. દબાણને કારણે રાહદારીને અકસ્માત થવાનો ભય સતાવે છે.કોઇ લારી કે દબાણ હટાવવાનું કહે તો ઝઘડો કરે છે.જેથી મનપા દ્વારા તાત્કાલિક પગલાં લઇને તમામ દબાણો દૂર કરીને 100 ફૂટ રોડ પર બનાવેલો બંને બાજુનો ફૂટપાથ ખુલ્લો કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
કરમસદ આણંદ મનપા બન્યા બાદ શહેરના જૂના રસ્તા, સ્ટેશન રોડ, ટુંકી ગલી, વિદ્યાનગર રોડ, વિદ્યાનગર અને કરમસદમાંથી મનપાની ટીમોએ ફૂટપાથ દબાણ કરીને ઉભી રહેતી લારીઓ તેમજ દુકાનદારો માલ સામાન હટાવીને ફૂટપાથ ખુલ્લા કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2134 દબાણો હટાવ્યાં હોવાનું મનપા સૂત્રોએ જણાવ્યું હતું.
100 ફૂટ રોડ પૂર્વ કાઉન્સિલરે શાકભાજીવાળાને બેસાડતાં રોષ
આણંદ શહેરના 100 ફૂટ રોડ રવિશંકર સ્કૂલ પાસે ચોકડી નજીક તેમજ ઇન્દિરા સ્ટેચ્યુ પાસે ચાર જેટલા શાકભાજી વાળાને ફૂટપાથ પર પૂર્વ કાઉન્સિલરે બેસાડયા હોવાનું ચર્ચાઇ છે. જેથી મનપા દ્વારા કાર્યવાહી કરાતી નથી. તેમજ ફૂટપાથ પર વાહનો વેચવા માટે ગોઠવી દેતા વેપારીઓએ મનપા ટીમે વ્યવહાર કરીને મામલો થાળે પાડી દીધો છે. વિકાસભાઇ પરમાર ,સ્થાનિક રહીશ
વચ્ચે ઉભા રહેતા ડમ્પરોને કારણે અકસ્માતનો ભય સતાવે છે
100 ફૂટ રોડ રેતી કપચીનો વેપાર કરતા વેપારીઓની ચાર જેટલી દુકાનો આવેલી છે,તેઓ દુકાની બહાર રોડ નજીક રેતી ઢગ કરી દે છે. તો વળી રેતી ભરીને આવેલા ડમ્પરો કલાક સુધી પડી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીને મુશ્કેલીઓ વેઠવાનો વખત આવે છે. સંજય પટેલ, સ્થાનિક રહીશ
કેવા પ્રકારના દબાણો
રોડની બંને બાજુએ ફૂટપાથ પર વેચાણ માટે વાહનો મુકી દબાણ, કોમ્પ્લેક્ષ વાળાએ માર્જીંગ અને ફૂટપાથની જગ્યામાં દાદર બહાર કાઢયા, રેતીવાળાના ડમ્પરોનું આડેધડ પાર્કિંગ, કેટલાંક કોમ્પ્લેક્ષવાળાએ પાર્કિંગ જગ્યામાં અન્ય પ્રવૃતિ કરતાં રોડ પર વાહનપાર્કિંગ, 15થી વધુ લારીઓ ઉભી રાખી દબાણ
એસ્ટેટ વિભાગ ટુંક સમય કામગીરી હાથ ધરશે
આણંદ મનપા એસ્ટેટ વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર 100 ફૂટ રોડ દબાણ હશે તો આગામી દિવસોમાં માપણી કરીને કોઇ શહેશરમ રાખ્યા વગર દૂર કરવામાં આવશે.તેમજ ફૂટપાથ ખુલ્લો કરવામાં આવશે.