Advertisement

મણિપુરમાં નવા યુગની શરૂઆત: યુમનામ ખેમચંદ સિંહે મુખ્યમંત્રી પદના શપથ લીધા

મણિપુરમાં નવા યુગની શરૂઆત: યુમનામ ખેમચંદ સિંહે મુખ્યમંત્રી પદના શપથ લીધા

 દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં લાંબા સમયથી હિંસાને કારણે રાષ્ટ્રપતિ શાસન લાગુ હતું. મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે યુમનામ ખેમચંદ સિંહે બુધવારે શપથ લીધા હતા. મુખ્યમંત્રી સિંહ સાથે ભાજપના ધારાસભ્ય નેમચા કિપગેન અને નાગા પીપલ્સ ફ્રન્ટના ધારાસભ્ય એલ ડીખોએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. 


અહીં નોંધવું રહ્યું કે મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહ મૈતેઈ સમુદાયમાંથી આવે છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેન કુકી સમુદાયમાંથી આવે છે. દોઢેક વર્ષ પહેલાં મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ભારે હિંસા ભડકી હતી, જેમાં કેટલાય લોકોના મોત થયા હતા.


ભાજપના ગોવિંદાસ કોન્થૌજમ અને એનપીપીના ધારાસભ્ય કે.કે. લોકેન સિંહે મંત્રી તરીકે શપથ લીધા. જોકે, નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેને નવી દિલ્હીમાં આવેલા મણિપુર ભવનમાંથી ડિજિટલ માધ્યમ દ્વારા શપથ 


લીધી હતી. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ખેમચંદ સિંહે જણાવ્યું કે મણિપુર વિકસિત ભારત-2047માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 


રાજ્યમાં 36 સમુદાયો વસે છે અને અહીં શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત કરવાની આશા છે. આ પહેલાં મંગળવારે ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં 62 વર્ષીય ખેમચંદ સિંહને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

Advertisement