Advertisement

ભાજપ સંગઠન માળખાની રચના માટે ટૂંક સમયમાં ગાઈડ લાઈન જાહેર કરાશે

ભાજપ સંગઠન માળખાની રચના માટે ટૂંક સમયમાં ગાઈડ લાઈન જાહેર કરાશે

ગ્રામ પંચાયતની ચૂંટણી અને વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. પક્ષના મોટાભાગના કાર્યક્રમો પણ  આજે પૂર્ણ થઈ જશે. દરમિયાન શહેર અને જિલ્લાના સંગઠન માળખાની રચના પ્રક્રિયા હાથ પર લેવાશે સંગઠન માળખામાં હોદેદારોની નિયુકતી માટે આજે પ્રદેશ ભાજપ દ્વારા માર્ગદર્શીકા જાહેર કરી દેવામાં આવે તેવી શકયતા  જણાય રહી છે. જોકે નિયુકતી નવા પ્રદેશ ભાજપની  વરણી બાદ  કરવામાં આવશે.

ભાજપ દ્વારા પ્રથમવાર શહેર અને જિલ્લા ભાજપની પ્રમુખની  વરણી માટે દાવેદારોના ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. નિરીક્ષકોને મોકલી સેન્સ પણ લેવાય હતી પ્રમુખ પદ માટે સાત મહત્વપૂર્ણ નિયમો  પણ બનાવવામા આવ્યા હતા જોકે એ વાત  અલગ  છે કે રાજકોટ સહિત કેટલાક શહેર અને જિલ્લામાં ફોર્મ નહી  ભરનાર પક્ષના આગેવાનોને પ્રમુખ પદે બેસાડી દેવામાં આવ્યા હતા.  જિલ્લા અને શહેર પ્રમુખની વરણીને  ઘણો સમય પ્રસાર થઈ ગયો છે. હવે પક્ષના મોટાભાગના કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા છે. આ ઉપરાંત  ગ્રામ પંચાયતની ચૂંટણી અને વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે.આવામાં પક્ષ દ્વારા હવે જિલ્લા અને મહાનગરોમાં સંગઠન માળખાની રચનાની કાર્યવાહી હાથ પર લેવામા આવશે. આજે ભાજપ હાઈકમાન્ડ દ્વારા નવી  ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

સંગઠન માળખામાં પ્રમુખ બાદ  મહામંત્રીની  જગ્યા સૌથી વધુ મહત્વપૂર્ણ હોય છે. હાલ ભાજપમાં પક્ષના બંધારણ મુજબ જિલ્લા અને શહેરમાં ત્રણ ત્રણ મહામંત્રીની  જગ્યાઓ હોય છે. જેના માટે હવે ભાજપ દ્વારા  ગમે ત્યારે ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. મહામંત્રીની જગ્યાઓ માટે ત્રણ ત્રણ નામની પેનલ બનાવવામા આવશે.જેમાં એક વર્તમાન મહામંત્રી ઉપરાંત બે અન્ય આગેવાનોના નામોનો   સમાવેશ કરવામાં આવશે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ કે અગાઉ બે ટર્મ મહામંત્રી રહી ચૂકેલા નેતાને મહામંત્રી બનાવવામાં ન આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

ગત વર્ષ યોજાયેલી લોકસભાની  ચૂંટણી બાદ ગુજરાત સહિત દેશભરમાં ભાજપમાં સંગઠનને લઈ જબરી ગડમથલ ચાલી રહી છે. રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાના સ્થાને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુકતીની પ્રક્રિયા સતત ટલ્લે ચડી રહી છે. જયારે  સી.આર. પાટીલના સ્થાને પ્રદેશ પ્રમુખની નિમણુંક કરી શકાતી નથી. ગુજરાતમાં અલગ અલગ જિલ્લા અને શહેરના પ્રમુખના નામ જાહેર કરાયાના મહિનાઓ વિતી ગયા બાદ  હજી સુધી   સંગઠન માળખું જાહેર કરી શકાયું નથી. રાજકોટ સહિત રાજયની 15 મહાનગરપાલીકા 31 જિલ્લા પંચાયત, અનેક  તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના આડે હવે છ માસથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે ભાજપ દ્વારા શકય તેટલું ઝડપથી  સંગઠન માળખું જાહેર કરી દેવામાં આવશે પક્ષ માટે હિતમાં છે. સંભવત: ચાલુ સપ્તાહે જ  ભાજપ દ્વારા જિલ્લા અને શહેર સંગઠન માળખાની રચના માટેની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવશે જોકે સંગઠનના  હોદેદારોના નામ નવા પ્રદેશ પ્રમુખ અધ્યક્ષની નિયુકતી બાદ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પક્ષે  મળેલી નિષ્ફળતાથી ભાજપમાં હાલ શોક જેવો   માહોલ જોવા મળી રહ્યો છે. હવે કાર્યકરોને નિરાશામાંથી બેઠા કરી ફરી સંગઠનના ગઢને મજબૂત કરાવવા માટે લાગે લગાડી શકે તેવા નેતાને  પ્રમુખ પદે બેસાડવાની  આવશ્યકતા છે.

Advertisement