ભગવદ ગીતાના પાઠ માટે રાજ્ય સરકારનો નિર્ણય: ગુજરાતી વિદ્યાર્થીઓએ શરૂ કર્યું અભ્યાસ
ગુજરાત બોર્ડ દ્વારા ધો.9 થી 12માં કેટલાક વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ બદલવામા આવ્યા છે અને નવા પરિરૂપ જાહેર કરાયા છે. કારણ કે, સરકારના ઠરાવ મુજબ, ધો.9 થી 12માં પ્રથમ ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાના બે-બે પાઠ ઉમેરવામા આવ્યા છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ સહિતના ચાર પ્રથમ ભાષા વિષયોમાં આ પાઠ ઉમેરવામા આવતા આ ચારેય વિષયના પરિરૂપ બદલાયા છે. જેથી હવે આ ચારેય ભાષાના વિષયોમાં આ વર્ષથી પ્રથમ અને દ્વિતિય સત્રની પરીક્ષામાં અને બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ગીતા પાઠમાંથી પ્રશ્નો પૂછવામા આવશે.
શાળામાં ભગવદ ગીતા ભણાવાનું કરાયું શરૂ
ગુજરાત સરકાર દ્વારા સ્કૂલોમાં ભગવદ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવા બાબતે ઠરાવ કરવામા આવ્યો હતો, જેને પગલે પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના શ્લોકો સાથેના પાઠ ભણાવવાનું શરૂ કરાયુ છે. ગત વર્ષે ધો.9 થી 12માં ગુજરાતી પ્રથમ ભાષાના પુસ્તકમાં બે ચેપ્ટરના વધારા સાથે નવું પુસ્તક તૈયાર થઈ ગયું હતું. આ પુસ્તકને ગુજરાતીમાં પાછલા વર્ષથી જ ભણાવવાનું શરૂ કરી દેવાયું હતું. જોકે, બાકીની ભાષામાં પુસ્તક તૈયાર ન હોવાથી ગુજરાતીમાં પરીક્ષામાં ગીતાના પાઠના પ્રશ્નો પૂછવામાં ન હતા આવતા.
પરીક્ષામાં પૂછાશે ગીતાના પાઠના પ્રશ્નો
પરંતુ, હવે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો.9 થી 12માં ગુજરાતી ઉપરાંત ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી એમ બાકીના ત્રણેય પ્રથમ ભાષા પુસ્તકોમાં ગીતાના શ્લોકો સાથેના પાઠનું અનુવાદ તૈયાર કરી દેવાયું છે. આ સિવાય નવા પુસ્તકો તૈયાર કરી દેવાતા બોર્ડ દ્વારા આ વર્ષથી ચારેય ભાષામાં નવા પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ શરૂ કરી દેવામા આવ્યો છે.
DEOનો આદેશ
ગુજરાત બોર્ડ દ્વારા તમામ DEO (ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર)ને આ બાબતે પરિપત્ર કરીને સ્કૂલોને ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26થી નવા પુસ્તક-નવા પરિરૂપનો સ્કૂલોમાં અમલ કરાવવા આદેશ કરાયો છે. બોર્ડના જણાવ્યા મુજબ, પ્રશ્નપત્ર પરિરૂપમાં નિષ્ણાંતો દ્વારા સુધારા કરવામા આવ્યા છે અને 17 જુલાઈની બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં કરાયેલા નિર્ણય અન્વયે આ વર્ષથી 9 થી 12માં પ્રથમ ભાષા વિષયોના અભ્યાસક્રમના માસવા આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ કરવામા આવ્યો છે.