Advertisement

બે દાયકાથી સરકારી જમીન પર દબાણ, કણભાઇપુરામાં વહીવટી તંત્રની કાર્યવાહી

બે દાયકાથી સરકારી જમીન પર દબાણ, કણભાઇપુરામાં વહીવટી તંત્રની કાર્યવાહી

આણંદ તાલુકાના કણભાઇપુરા ગામે સરકારી જમીન તથા તમામ તળાવો પર કેટલાંક ઇસમો દ્વારા છેલ્લા 2 દાયકા કાચાપાક દબાણો કરી દેવામાં આવ્યાં છે. જે હટાવવાનું નામ લેતા નથી. જેથી પંચાયતને ગામમાં સરકારી જમીનમાં વિકાસ લક્ષી બાંધકામ કરવા માટે જગ્યા મળતી નથી. જો કે પંચાયત આર્થિક સ્થિતી નબળી હોવાથી તમામ સર્વે નંબરની જમીન માપણી કરાવી શકે તેમ ન હોવાથી આખરે જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરતાં વહીવટી તંત્ર દ્વારા આગામી 10 અને 11 ફેબ્રુઆરીના રોજ તમામ સર્વે નંબરની માપણી કરવામાં આવશે. તે માપણી બાદ ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી પંચાયત દ્વારા હાથ ધરવામાં આવનાર છે.


પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ તાલુકાના કણભાઇપુરા ગામે ગ્રામ પંચાયત હસ્તક અને સરકાર હસ્તકની જમીન આવેલી છે. હાલમાં ગામમાં વિકાસના કામો માટે બાંધકામ કરવા માટે જમીનની જરૂરીયાત ઉભી થઇ છે. પરંતુ સરકારી જમીન સહિત તળાવ પરના 15 જેટલા સર્વે નંબર પર ગેરકાયદે દબાણો થઇ ગયા છે. જે હટતા નથી.


પંચાયત દ્વારા વારંવાર દબાણો હટાવવા માટે સુચના આપવા છતાં પોતાની જમીન હોવાનો દાવો કરી રહ્યાં છે. જેથી આખરે પંચાયતે તમામ સર્વે નંબર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જમીન માપણી કરીને પંચાયત અને સરકાર હસ્તક જમીન નકશો તૈયાર કરવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. જેના પગલે જિલ્લા નિરીક્ષક દફતરની કચેરી દ્વારા આગામી 10 અને 11 ફેબ્રુઆરીનો રોજ તમામ સર્વે નંબરની માપણી કરવામાં આવનાર છે. તમામ સર્વે નંબરો લાગુ પડતો હોય તેવા વ્યકિતોને હાજર રહેવા જણાવ્યું છે.

Advertisement