બેઠકો ઘટી એટલે લડાઈ વધી! જિલ્લા પંચાયત પર 40 સીટનો જંગ
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા દરેક જિલ્લા અને તાલુકા પંચાયતના અનામત બેઠકો ફાળવી સહિત નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લા પંચાયતની અગાઉ 42 બેઠકો હતી. પરંતુ આણંદ મનપા ફેરવાતાં ચાર ગામોનો મનપામાં સમાવેશ થતા એક બેઠક તેમજ તારાપુર પાલિકા જાહેર થતાં એક બેઠકનો ઘટાડો થયો છે.
જો કે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય એ બન્યો છે. મોટાભાગની બેઠકો બદલાય જતાં નવેસરથી રાજકીય પાસા ગોઠવવાનો વખત આવ્યો છે.જિલ્લા પંચાયતની અગાઉ 42 બેઠકો હતી. જેમાં એક આણંદમાં ગામડી અને એક આંકલાવમાં નવાખલ બેઠક ઘટતાં હવે 40 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાશે
2011ની વસ્તી પ્રમાણે જિલ્લા પંચાયતની વિસ્તારમાં 1449064 લાખ પ્રમાણે બેઠક રચના કરવામાં આવી છે. સરેરાશ વસ્તી 36227 પ્રમાણે બેઠક નક્કી કરાઇ છે. 20 ટકાની વધઘટ સાથે મહત્વ વસ્તી 43472 અને લઘુતમ વસ્તી 28982 બેઠક જોવા મળશે.
2025માં આણંદ જિલ્લાની વસ્તી વધીને 21 લાખની આસપાસ હોવાનું અનુમાન છે.પંચે મતદાર મંડળમાં સમાવિષ્ટ ગામોની ભૌગોલિક પરિસ્થિતી કુદરતી બાધક પરિબળો, રેલવે,નદી,નાળા વગેરે પરિબળોને ધ્યાને લઇને સીમાંકન નક્કી કરાયા છે.
આણંદ નગરપાલિકા મનપામાં ફેરવાતા, ગામડી, લાંભવેલ, મોગરી અને જીટોડિયા મનપા સમાવેશ થતાં ચાર ગામો જિલ્લા પંચાયતમાંથી નીકળી ગયા છે. જેમાં ગામડી બેઠક રદ કરી છે.
જ્યારે મોગરી બેઠક વલાસણમાં ફેરવવામાં આવી છે.તારાપુર ગ્રામ પંચાયત પાલિકામાં ફેરવતા તારાપુરની બેઠક મોરજ માં ફેરવાઇ છે.આંકલાવ તાલુકાની નવાખલ બેઠક રદ કરવામાં આવી છે.અગાઉ આણંદ તાલુકાની 9 બેઠકો હતી તે ઘટીને 8 થઇ છે.જ્યારે આંકલાવ તાલુકાની ચાર બેઠકો હતી તે ઘટીને ત્રણ થઇ છે. જેને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
નવા સીમાંકન મુજબ બેઠકોનો તાગ મેળવવા રાજકીય પક્ષોની કવાયત પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત બેઠકો અમલવારીને પગલે 40માંથી 11 બેઠકો ઓબીસી અનામત ફાળે ગઇ છે.જ્યારે કેટલીક બેઠકોના પ્રકાર બદલાઇ જવાને કારણે નવા સમીકરણ રચાશે.
હાલમાં ભાજપ કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ નવા સીમાંકન અભ્યાસ શરૂ કરીને યોગ્ય માથાઓને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ આરંભી દીધી છે.
ભાજપે બે દિવસ અગાઉ કમલમ ખાતે તાલુકાના હોદેદારો અને આગેવાનો સાથે બેઠક કરીને કંઇ બેઠક ભાજપ પકડ નબળી છે.તેનો તાગ નવા સીમાંકન મુજબ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. તેવી રીતે કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે.