Advertisement

બાકરોલમાં કૂતરાઓના ખોરાક મુદ્દે તોડફોડ અને ઝઘડો

બાકરોલમાં કૂતરાઓના ખોરાક મુદ્દે તોડફોડ અને ઝઘડો

બાકરોલમાં કૂતરાઓના ખોરાક મુદ્દે તોડફોડ અને ઝઘડો

આણંદના બાકરોલની શ્રી સોસાયટીમાં રખડતા કૂતરાઓને ખવડાવવા મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. સ્વાતિબેન જાની રોજ કૂતરાઓને જમાડતા હોવાથી સોસાયટીમાં કૂતરાઓની સંખ્યા વધી ગઈ હતી, જેના કારણે બાળકો અને અન્ય રહેવાસીઓને ભય લાગતો હતો. આ બાબતે પાડોશી પર્વ રાવલે સ્વાતિબેનને ઠપકો આપ્યો હતો, જે બાદ બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ ઝઘડો ઉગ્ર બનતા સ્વાતિબેનના બનેવી હેતલભાઈ અને તેમના મિત્ર ઉમંગ ઈનામદારે બહારથી આઠથી દસ જેટલા માણસોને બોલાવ્યા હતા. લાકડીઓ અને અન્ય હથિયારો સાથે આવેલા આ શખ્સોએ પર્વ રાવલના પરિવારજનો પર હુમલો કર્યો હતો. તેમણે ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલામાં પર્વ રાવલના પિતા ઉપનીશ રાવલ અને પત્ની હિમાનીબેનને ઈજાઓ થઈ હતી. આ ઘટના અંગે પર્વ રાવલની ફરિયાદના આધારે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે અન્ય આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે- ડી.વાય.એસ.પી

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ જણાવે છે કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધમાં એક કરતાં વધારે ગુનાઓ હશે તો, સંગઠિત ગુનાની કલમોનો ઉમેરો કરવામાં આવશે. તેમજ તેઓના વિરૂદ્ધમાં પાસા-તડીપાર જેવા જે પણ યથાયોગ્ય અટકાયતી પગલાં હશે તે લેવામાં આવશે.

વિદ્યાનગર પોલીસમથકની હદમાં છાશવારે જાહેરમાં મારામારીના બનાવો બની રહ્યાં છે. પરંતુ પોલીસ દ્વારા આવા શખસો વિરૂદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી જ નથી. જેને પગલે આવા શખસોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement