આણંદ સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા પર ફેક ID બનાવી મહિલાઓની પજવણી કરતા એક આરોપીની ધરપકડ કરી છે. ખંભાતના રહેવાસી જયવીર જયરાજભાઈ જોષી નામના આ આરોપીએ મહિલાઓને બદનામ કરવાના હેતુથી આ કૃત્ય કર્યું હતું. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
કેસની વિગત મુજબ, '108 ખંભાત વિધાનસભા' નામના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક શખ્સોએ આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને ફરિયાદીના પરિવાર વિશે અત્યંત વાંધાજનક પોસ્ટ મૂકી હતી. આ ઉપરાંત, આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર પણ ફેક આઈડી બનાવી મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી તેમને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે દક્ષિણ આફ્રિકા (+27) અને યુકે (+44) જેવા દેશોના આંતરરાષ્ટ્રીય નંબરોનો ઉપયોગ કરતા હતા.
આણંદ સાયબર ક્રાઈમની ટેકનિકલ ટીમે અત્યાધુનિક સર્વેલન્સ, આઈપી એડ્રેસનું વિશ્લેષણ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો. આરોપી વિરુદ્ધ બી.એન.એસ. એક્ટ 2023ની કલમ 352, 296(બી) અને આઈટી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ હંમેશા જવાબદારીપૂર્વક કરવો જોઈએ અને કોઈપણ પ્રકારની સાયબર પજવણીના કિસ્સામાં તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ.