Advertisement

ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી: જાણીતા વેપારીઓને લાખોની સજા

ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી: જાણીતા વેપારીઓને લાખોની સજા


આણંદ, બુધવાર : આણંદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આણંદ જિલ્લામાંથી ચકાસણી અર્થે લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પરીક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ જાહેર થતાં આણંદના એજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફુડ સેફટી ઓફીસર દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ નિષ્ફળ જતા એજયુડીકેટીંગ ઓફીસરની કોર્ટમાં કેસ દાખલ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી જવાબદાર પેઢીઓને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ નોટીસ આપી તમામ પક્ષોને સાંભળ્યા બાદ અને પુરાવાઓ ધ્યાને લઈને એજયુડીકેટીંગ ઓફીસરશ્રી ઋતુરાજ દેસાઈ, આણંદની કોર્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ ના ભંગ બદલ કલમ-૫૦ અને ૫૧ની જોગવાઈઓ મુજબ જવાબદાર પેઢીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.


  જે અન્વયે વાસદ-તારાપુર હાઈવે પર આવેલ મે.ગેલોપ્સ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લીમીટેડમાંથી લેવાયેલ મલાઈ સોફ્ટ પનીર અને લો ફેટ પનીરના નમૂનાઓ ધોરણો મુજબના ન જણાતા એટલે કે સબ સ્ટાન્ડર્ડ જણાતા કલોલ, ગાંધીનગર સ્થિત ઉત્પાદક પેઢી મે.કાંતીલાલ મણીલાલ ફુડ પ્રોડક્ટસ અને ગેલોપ્સ હોસ્પિટાલિટીને સંયુક્ત રીતે રૂ.૪,૦૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે. તેમજ આણંદના સરદાર ગંજ વિસ્તારમા આવેલ મે.ઝુલેલાલ ટ્રેડસમાંથી લેવાયેલ 'આરતી રીફાઈન કોટન સીડ ઓઈલ'નો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા તેની કડી, ગાંધીનગરા સ્થિત ઉત્પાદક પેઢી આકાશ એગ્રો ઈન્ડસ્ટ્રીસ લીમીટેડ અને ઝુલેલાલ ટ્રેડસને સંયુક્ત રીતે રૂ.૧,૨૫,૦૦૦/- નો દંડ ફટકારવામા આવ્યો છે. 


 વધુમાં બોરસદ સ્થિત રિલાયન્સ રીટેલ લીમીટેડ,અક્ષરમોલમાંથી 'કોટ્સ રોસ્ટેડ આટા ખારી'નો નમૂનો 'મીસ બ્રાન્ડેડ' જાહેર થયો હતો. જે બદલ નમૂનો આપનાર રિલાયન્સ રીટેલ લીમીટેડ, તેમજ ખેડા સ્થિત સપ્લાયર પેઢી સુમાર લોજીસ્ટીક અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક હરીયાલ અને મહારાષ્ટ્ર સ્થિત ઉત્પાદક પેઢી સનકોસ્ટ હેલ્ધી ફુડ પ્રા.લી.સહિત તમામને વ્યક્તિગત રીતે રૂ.૨૫૦૦૦/- કુલ રૂ.૧,૭૫,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે. તેમજ આણંદના મારુતી સોલારીસ મોલ સ્થિત 'શેફાયર ફુડ્સ ઈન્ડીયા પ્રા.લી. (Pizza Hut)' માંથી લેવાયેલ "Rice Cone" નો નમૂનો 'મીસ બ્રાન્ડેડ' જાહેર થતા નમૂનો આપનાર 'શેફાયર ફુડ્સ ઈન્ડીયા પ્રા.લી. (Pizza Hut)', મહારાષ્ટ્ર સ્થિત સપ્લાયર પેઢી ઈમ્પેલપ્રો સોલ્યુશન પ્રા.લી અને પંજાબ સ્થિત ઉત્પાદક પેઢી મેગા સ્ટાર ફુડ પ્રા.લી. સહિત તમામને રૂ.૨૫૦૦૦/- કુલ રૂ.૨,૨૫,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.


Advertisement