આણંદ, રવિવાર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, આત્મનિર્ભર મહિલા, વોકલ ફોર લોકલના મંત્ર ને સાકાર કરવાના ઉદેશ્ય સાથે પેટલાદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે.
પેટલાદ નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને અગ્રણી શ્રી સંજયભાઈ પટેલના હસ્તે સ્વદેશી મેળો નગરજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુક્યા બાદ મંત્રી શ્રી અને મહાનુભાવોએ સ્વદેશી મેળામાં ઊભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ વસ્તુઓની જાણકારી મેળવી મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલમાં સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વસ્તુઓનું પ્રદર્શનને આ મેળા દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે. 'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી અપનાવો'ના મંત્રને ચરિતાર્થ કરતા આ આયોજનમાં સીધું બજાર મળવાથી બહેનોની મહેનતનું સાચું વળતર મળશે. તેમણે નાગરિકોને આ મેળાની મુલાકાત લઈ બહેનો દ્વારા નિર્મિત ઘર બનાવટની વિવિધ વસ્તુઓ, મહિલાઓ દ્વારા સંચાલિત અને વેચાણ કરવામાં આવતી સ્વદેશી વસ્તુઓનું લોકો ખરીદી કરે અને બહેનોને પ્રોત્સાહિત કરે તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ હર ઘર સ્વદેશી — આત્મનિર્ભર ભારત તરફ મજબૂત પગલું ભર્યું છે તેમ જણાવી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સ્વદેશી” અભિયાનને વધુ ગતિ આપવા પેટલાદ નગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળા”માં સ્થાનિક ઉદ્યોગકારો, કારીગરો અને સ્વરોજગારી સાથે જોડાયેલા બહેનો-ભાઈઓને પ્રોત્સાહન આપવાનો અવસર મળ્યો છે. “વોકલ ફોર લોકલ”ના સંકલ્પ સાથે આયોજિત આ મેળામાં સ્થાનિક હસ્તકલા, સ્વદેશી ઉત્પાદનો અને નાના ઉદ્યોગોને પ્રદર્શન અને વેચાણ માટે ઉત્તમ મંચ મળ્યો છે તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિકસિત ભારત@ 2047નું લક્ષ્ય રાખ્યું છે, તેમાં ગુજરાતની બહેનો આત્મનિર્ભર બની શ્રેષ્ઠ યોગદાન આપે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા સ્વદેશી મેળાના માધ્યમથી સ્થાનિક વસ્તુઓની ખરીદી કરવા નગરજનોને અપીલ કરી હતી.
આ સમયે પેટલાદ નગરપાલિકાના હોદ્દેદારો, અગ્રણી શ્રી જગતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.