પેટલાદમાં સુરક્ષા વધારવા 120 CCTV કેમેરા લગાવાશે
પેટલાદ ટાઉનનો ગુજરાત સરકારના નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સમાવેશ થતા હાલ શહેરના તમામ મુખ્ય માર્ગો પર અને શહેરમાં આવવા અને જવાના તમામ માર્ગ પર હાલ સીસીટીવી કેમેરા ફીટીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ યોજના હેઠળ શહેરમાં 27 લોકેશન પર જંકશન બનાવવામાં આવેલ છે, તેમાં 120 ઉપરાંત હેવી રિઝ્યુલેસન વાળા કેમેરાનું ફીટીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે,જેને લઇ કોઈપણ અસામાજિક તત્વો દ્વારા થતી હેરાનગતિ, ચોરીનો ભય, શકમંદ વ્યક્તિ ઉપર કેમેરાની બાજ નજરથી દેખરેખ રાખી શકાશે. આ તમામ કેમેરા ઇન્ટરનેટથી જોડાણ કરી લાઈવ રેકોર્ડિંગ દ્વારા કચેરીમાં બેઠા બેઠા શહેરના તમામ માર્ગ પરની અવરજવર નિહાળી શકાશે.
આ બાબતે પેટલાદ ટાઉન પીઆઇ એ.વી.પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નેત્રમ પ્રોજેક્ટ હેઠળ હાલ 27 લોકેશન પર કેમેરા ફીટીંગ ચાલી રહ્યું છે જે હવે પૂર્ણતાની આરે છે. આવનારા દિવસમાં હજુ વધુ લોકેશનો પર કેમેરાનું ફીટીંગ કરવામાં આવશે જેથી શહેરના કોઈપણ ખૂણામાં અથવા મુખ્ય માર્ગ ઉપર થતી અવરજવર અને કોઈ પણ બનાવનું રેકોર્ડિંગ દ્વારા દેખરેખ રાખી શકાશે.
હાલ કોલેજ ચોકડી, સાંઇનાથ વાય ચોકડી, જીઆઇડીસી પ્રવેશદ્વાર, બાવડી જકાતનાકા રોડ, મલાવ ચોકડી, શેખડી ચોકડી, જેસરવા તરફથી આવતો માર્ગ, જેસરવા ફાટક પાસેનો પ્રવેશ માર્ગ, મરીયમપુરાના પ્રવેશ પાસે, સિવિલ હોસ્પિટલ પાસે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન બહાર, બાવડી જકાતનાકા, સરદાર ચોક, ગાંધીચોક, રણછોડજી મંદિર પાસેનો વિસ્તાર, ઝંડા બજાર, ચબૂતરી ચોક, કલાલપીપળ પાસે, શેખવાડ કાળકાગેટ પોલીસ ચોકી, ખલીફાચોક, ચાવડી બજાર સહિતના સ્થળો અને શહેરમાં આવવાના અને જવાના મુખ્ય તમામ માર્ગ સાંકળી લેવામાં આવેલ છે.