પેટલાદમાં બોગસ ડોક્ટર ઝડપાયો, માન્ય ડિગ્રી વગર ચલાવતો દવાખાનું
આણંદ એસ.ઓ.જી. પોલીસે પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદ તાલુકાના ચાંગા ગામના વ્હોરવાડ વિસ્તારમાં રહેતો મોહંમદમાજ સિકંદરભાઈ વ્હોરા વિશ્નોલી ગામમાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હોવાની બાતમી આણંદ એસ.ઓ.જી. પોલીસને મળી હતી. આ બાતમીના આધારે, એસ.ઓ.જી.ની ટીમે મોરડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. નિશા યાદવને સાથે રાખીને બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે મોહંમદમાજ સિકંદરભાઈ વ્હોરાની અટકાયત કરી તેની પાસે ડોક્ટર હોવા અંગેના પ્રમાણપત્રોની માંગણી કરી હતી.
તપાસ દરમિયાન, તેણે પોતાની પાસે કોઈ જ માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવાનું કબૂલ્યું હતું. પોલીસે સ્થળ પરથી દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂપિયા 28,534નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોહંમદમાજ સિકંદરભાઈ વ્હોરા વિરુદ્ધ ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ 1963ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.