Advertisement

પેટલાદના બાંધણીમાં મંદિરના લાભાર્થે ગેરકાયદે લકી ડ્રો નું આયોજન કરનાર 6 ની ધરપકડ

પેટલાદના બાંધણીમાં મંદિરના લાભાર્થે ગેરકાયદે લકી ડ્રો નું આયોજન કરનાર 6 ની ધરપકડ

પેટલાદ તાલુકાની બાંધણી ગામે આવેલા માતાજીના મંદિરના નામે કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વિના મંદિરના લાભાર્થે કેટલાક શખ્સોએ લકી ડ્રો નું આયોજન કર્યું હતું. જેની જાણ થતાં જ મહેળાવ પોલીસે આ સંદર્ભે છાપો મારી છ શખ્સોને ઝડપી લઈ ડ્રો ની ટીકિટસ કબજે લઇ ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મહેળાવ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એસ.ગઢવીને ચોક્કસ માહિતી મળી હતી કે, બાંધણી ગામમાં આવેલ શ્રી મેલડી મસાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  મંદિરના લાભાર્થે ઇનામી યોજના (લક્કી ડ્રો) નું આયોજન કરવામાં આવ્યું છે અને હાલ આ લક્કી ડ્રો ના અનુસંધાને ટીકિટનું વિતરણ ચાલું છે. આ સમગ્ર વહીવટ કરવા માટે આ ટ્રસ્ટ દ્વારા બાંધણી ચોકડી ખાતે આવેલ શ્રી હરિ કોમ્પ્લેક્ષમાં ઓફીસ બનાવી છે.  જેને લઈને પોલીસે રેઇડ કરતાં કુલ ૧૭૦ નંગ ટીકીટ, પાવતી બુક તથા આસુસ કંપનીનુ લેપટોપ મળી આવતાં ટ્રસ્ટના આયોજકો પ્રવીણભાઇ શામળજી ચૌધરી (રહે. મોરથલ. સિંધરઇ ગોળયુ તા.થરાદ, જિ.વાવ-થરાદ), શંભુ ભુવાજી (રહે.બાંધણી), પ્રકાશભાઇ પ્રજાપતિ, ભરતભાઇ ચૌધરી, મેહુલભાઈ તળપદા તથા મહેશભાઈ સોલંકી વિરુદ્ધ ઈનામી છેતરપીંડી અને પૈસા સરકયુલેશન સ્કીમ (બેનીંગ) અધિનિયમ ૧૯૭૮ની કલમ ૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં પોલીસતા જણાવ્યા મુજબ નજીવી કિંમતની ટીકીટો મોટી માત્રામાં તેનું વેચાણ કરી લોકોની મંદિર પ્રત્યેની ધાર્મિક આસ્થાનો લાભ લઇ બહોળી રકમ એકઠી કરી હતી તેના બદલામાં નિર્ધારીત તારીખે ડ્રો નું આયોજન કરીને એક કે બે વ્યકતિઓને પ્રતિકાત્મક ઈનામ આપી ગેરકાદેસર રૂપિયાનો વ્યવહાર થાય તે પહેલાં જ માહિતીના આધારે મહેળાવ પોલીસે છ જણને ઝડપી પાડીને ગુનો દાખલ કરી પ્રિવેન્ટીવ એકશન લેવામાં આવી છે.

Advertisement