પંચમહાલમાં ખનીજ માફિયાનો ‘ડિજિટલ નેટવર્ક’ ખુલ્લો, અધિકારીઓની ગાડીઓની રેકી કરતા ઓડિયો વાઈરલ
પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ હવે ફિલ્મી સ્ટાઈલમાં સરકારી અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ફટસ્ફોટ થયો છે. ગેરકાયદે ખનન કરતા માફિયાઓએ અધિકારીઓની હિલચાલ પર નજર રાખવા માટે વોટ્સએપ ગ્રુપ અને ઓડિયો મેસેજનું એક મોટું નેટવર્ક ઊભું કર્યું છે. આ મામલે ગોધરા પ્રાંત અધિકારીએ લાલ આંખ કરી સાયબર ક્રાઈમ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.
કેવી રીતે ચાલે છે રેકી?
મળતી માહિતી અનુસાર, વાઈરલ થયેલી ઓડિયો ક્લિપ અને વોટ્સએપ ગ્રુપના પુરાવાઓ મુજબ, માફિયાઓ અત્યંત વ્યવસ્થિત રીતે જાસૂસી કરી રહ્યા છે. અધિકારીની ગાડી ઓફિસમાંથી બહાર નીકળતાની સાથે જ ગ્રુપમાં મેસેજ ફ્લોટ કરી દેવામાં આવે છે.અધિકારી કયા રૂટ પર છે, કયા વિસ્તારમાં પહોંચ્યા અને કઈ હોટલ કે સ્થળ પર રોકાયા છે, તેની પળેપળની માહિતી ઓડિયો મેસેજ દ્વારા શેર થાય છે. ખાસ કરીને ગોધરા અને કાલોલ પંથકમાં જ્યારે અધિકારીઓ ઓચિંતા ચેકિંગ માટે નીકળે છે, ત્યારે આ રેકી નેટવર્ક માફિયાઓને અગાઉથી જ સતર્ક કરી દે છે, જેથી કાર્યવાહી પહેલા જ સ્થળ ખાલી થઈ જાય છે.
સરકારી કામગીરી પર ગંભીર અસર
માફિયાઓની આ જાસૂસીને કારણે વહીવટી તંત્રની ગુપ્તતા જોખમાઈ છે. અધિકારીઓ જ્યારે દરોડા પાડવા પહોંચે છે, ત્યારે મોટાભાગે સ્થળ પર કશું જ મળતું નથી. આ નેટવર્કને કારણે ખનીજ ચોરી રોકવામાં સરકારને ભારે મુશ્કેલી પડી રહી છે અને સરકારી તિજોરીને નુકસાન પહોંચી રહ્યું છે.
પ્રાંત અધિકારીની કડક ચેતવણી
આ સમગ્ર મામલે ગોધરાના પ્રાંત અધિકારી એન.બી. મોદીએ જણાવ્યું છે કે, 'અધિકારીઓની રેકી કરવી એ કાયદો અને વ્યવસ્થા માટે સીધો પડકાર છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. વાયરલ ઓડિયો અને ગ્રુપના સભ્યોની તપાસ કરી તેમના વિરુદ્ધ સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવશે.'