Advertisement

નેપાળમાં Gen-Z આંદોલન બેકાબૂ: રાષ્ટ્રપતિના ઘર પર ઉગ્રવાદીઓનો કબજો, ઠેર ઠેર આગચંપી-તોડફોડ

નેપાળમાં Gen-Z આંદોલન બેકાબૂ: રાષ્ટ્રપતિના ઘર પર ઉગ્રવાદીઓનો કબજો, ઠેર ઠેર આગચંપી-તોડફોડ

નેપાળમાં Gen-Z આંદોલન બેકાબૂ: રાષ્ટ્રપતિના ઘર પર ઉગ્રવાદીઓનો કબજો, ઠેર ઠેર આગચંપી-તોડફોડ

નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગઈકાલે  20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને આગ ચાંપી હતી. નવ મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે. આંદોલનકારીઓના ઉગ્ર આંદોલનને પગલે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી દુબઈ પલાયન કરવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલ છે. એવું કહેવાય છે કે, બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડી નેપાળમાં પણ અજમાવાઈ છે. 

નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી. ઘટના બાદ પોલીસ તુરંત ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ બૂઝાવવાનો અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી. જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો. 

નેપાળમાં હિંસક આંદોલનની અપડેટ્સઃ

  • આંદોલનકારીઓએ ગૃહમંત્રી રમેશ લેખકના ઘરમાં તોડફોડ કરી આગચંપી
  • કીર્તિપુર નગરપાલિકા ભવનને આગ ચાંપી
  • નેપાળના કોંગ્રેસ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા શેર બહાદુર દેઉવાના ઘરમાં આગચંપી, અનેક વાહનો તોડ્યા
  • વડાપ્રધાન કેપી શર્મા ઓલી દુબઈ ભાગી જવાની તૈયારીમાં, હિમાલય એરલાઈન્સને સ્ટેન્ડબાય રહેવા આદેશ
  • ઓલીના પક્ષના નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન રઘુવીર મહાસેઠના ઘરે પથ્થરમારો
  • લાલિતપુરમાં સીપીએન માઓવાદી અધ્યક્ષ પુષ્પ કમલ દહાલના નિવાસ પર હુમલો અને આગચંપી
  • ગૃહમંત્રી, કૃષિ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી સહિત કુલ નવ મંત્રીઓએ આપ્યા રાજીનામા

રાષ્ટ્રપતિ પૌડેલના ઘર પર કબજો, આગચંપી

યુવાનોએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના અંગત નિવાસ સ્થાન પર કબજો કર્યો હતો. ભીડે ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી બાદમાં આગ લગાવી દીધી હતી. પોલીસ અને સુરક્ષા દળ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ આ ભીડ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

નેપાળી કોંગ્રેસ કાર્યાલયમાં આગચંપી

કાઠમંડુમાં દેખાવો સતત ઉગ્ર થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓ શાસક પક્ષ નેપાળી કોંગ્રેસના કાર્યાલયમાં આગચંપી હતી. બીજી તરફ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 21 સાંસદોએ સામૂહિક ધોરણે રાજીનામું આપી દીધું છે. 

PMના નિવાસ સ્થાન નજીક ગોળીબાર, 2 ઘાયલ

PM ઓલીના નિવાસ સ્થાન નજીક ગોળીબારની ઘટના બની છે. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  વડાપ્રધાનના નિવાસ સ્થાન આસપાસ સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. 

કૃષિ મંત્રીએ આપ્યું રાજીનામું

નેપાળના વડાપ્રધાન કેપી ઓલીની મુશ્કેલી સતત વધી રહી છે. ગૃહમંત્રી બાદ હવે કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ પણ રાજીનામું આપી દીધું છે. આ સિવાય સ્વાસ્થય મંત્રી પ્રદીપ પૌડેલે પણ રાજીનામું આપ્યું છે. સોમવારે હિંસક ઘટનાઓ અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા દમનના વિરોધમાં કૃષિ મંત્રીએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. તેમનું રાજીનામું ઓલી સરકાર માટે મોટા ઝટકા સમાન છે. જેનાથી ઓલી પ્રત્યે અવિશ્વાસનું પ્રમાણ વધ્યું છે. 

વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી

ભારતના વિદેશ મંત્રાલયે નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં એડવાઈઝરી જાહેર કરી છે. નેપાળમાં સ્થિત ભારતીયોને સાવચેતીના પગલાં લેવા તેમજ સરકારના આદેશોનું પાલન કરવા સૂચન કર્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમે નેપાળની પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છીએ. ઘણા યુવાનોએ આ આંદોલનમાં જીવ ગુમાવ્યા છે, તેનું અમને દુઃખ છે. અમને આશા છે કે, તમામ માગનો શાંતિથી ઉકેલ લાવવામાં આવે. ભારતીયોને વર્તમાન પરિસ્થિતિમાં સાવચેતી રાખવા સલાહ છે.

પ્રતિબંધ પાછો ખેંચ્યો હોવા છતાં આંદોલન ચાલુ

નેપાળમાં હિંસક આંદોલન બાદ સરકારે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલો પ્રતિબંધનો નિર્ણય આજે પાછો ખેંચ્યો હતો. તેમ છતાં ચારેકોર આંદોલન ચાલુ છે. ગઈકાલે ઓલી સરકારે જુઓ ત્યાં ઠાર કરોનો આદેશ આપી આંદોલનકારીઓ પર દમન ગુજાર્યો હોવાના આરોપ સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે. પરિસ્થિતિને અંકુશમાં લેવામાં નિષ્ફળ રહેતાં ગૃહ મંત્રીએ રાજીનામું આપ્યું હતું. નેપાળમાં સોશિયલ મીડિયાની તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. યુવાનોએ આ આંદોલન માત્ર સોશિયલ મીડિયા પર પ્રતિબંધોના કારણે શરૂ કર્યું નથી. પરંતુ તેઓ નેપાળમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર, અસમાનતા, બેરોજગારી જેવા મુદ્દાનો વિરોધ કરતાં આંદોલન છેડ્યું છે.

Advertisement