નવા વર્ષ માટે ખેડા પોલીસ હાઈ અલર્ટ પર, અસામાજિક તત્વો પર નજર
ખેડા જિલ્લા પોલીસે નવા વર્ષની ઉજવણી અને 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અત્યંત સતર્ક બની છે. નશાની હાલતમાં મજાક-મસ્તી કરનારા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે.
પોલીસ પરંપરાગત પેટ્રોલિંગ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ખેડા જિલ્લામાં ફાર્મ હાઉસ, કેનાલ કિનારા અને રહેણાંક વિસ્તારોના ધાબા પર થતી ગેરકાયદેસર દારૂની પાર્ટીઓ પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા તૈનાત કરાયા છે. આ ડ્રોન નિર્જન જગ્યાઓ અને ખાનગી મિલકતો પરની પ્રવૃત્તિઓનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરશે.
તૈયારીઓના ભાગરૂપે, નડિયાદના DySP દ્વારા સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની હાજરીમાં ડ્રોન કેમેરાનું સફળ ડેમોસ્ટ્રેશન કરાયું હતું. ડ્રોન ઓપરેશન અને ફૂટેજ દ્વારા કાર્યવાહી કેવી રીતે કરવી તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ બચી શકશે નહીં.
પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાનાર આ હાઇ-ટેક ડ્રોન 5 કિલોમીટરની વિશાળ રેન્જ ધરાવે છે. તે 500 મીટરની ઊંચાઈએ ઉડીને ઝીણવટભરી વિગતો મેળવી શકે છે. અંધારામાં પણ શંકાસ્પદ હિલચાલને પકડવામાં સક્ષમ આ ડ્રોનથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસ અને કેનાલ રોડ પર થતી મહેફિલો પોલીસના રડારમાં છે. આ વિસ્તારોમાં પોલીસ ટીમો સતત ગતિશીલ રહેશે. શહેરી વિસ્તારોમાં ધાબા પર થતી બિનઅધિકૃત પ્રવૃત્તિઓ પર પણ ડ્રોન દ્વારા નજર રાખીને તુરંત દરોડા પાડવાની વ્યૂહરચના ઘડવામાં આવી છે.
ખેડા જિલ્લા પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નવા વર્ષની ઉજવણી કરી શકે તે છે. પોલીસે નાગરિકોને સહકાર આપવા અને કાયદાનું પાલન કરવા વિનંતી કરી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના રોકવા માટે જિલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પણ સઘન ચેકિંગ હાથ ધરાયું છે.