Advertisement

નવજીવન એક્સપ્રેસમાં મુસાફર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો, વાસદ પાસે હુમલાખોર ફરાર

નવજીવન એક્સપ્રેસમાં મુસાફર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો, વાસદ પાસે હુમલાખોર ફરાર

ટ્રેનમાં મુસાફરી કરતા દાહોદના યુવક સાથે અજાણ્યા શખસે બેસવા બાબતે ઝઘડો કરી યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. વધુમાં વાસદ આવતા ટ્રેન ધીમી પડતાં જ આ અજાણ્યો શખસ ટ્રેનમાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે આણંદ રેલવે પોલીસ સ્ટેશને યુવકે હુમલાખોર શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો વતની 40 વર્ષીય કાળુભાઈ ચીતરાભાઈ ગુડીયા હાલમાં અમદાવાદ શહેરમાં ચાંદલોડીયા બ્રીજ નજીક રહે છે અને મજુરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત સોમવારે કાળુભાઈ ગુડીયા વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ જવા માટે મુસાફરી કરતો હતો. તેની પાસે ટીકિટ ન હોય તે જનરલ કોચમાં બાથરૂમની પાસે બેસી ગયો હતો.


જોકે, એ સમયે તેની પાસે નેપાળી જેવો દેખાતો 20 વર્ષનો અજાણ્યો યુવક બેઠો હતો. કાળુભાઈએ તેને થોડો ખસીને બેસવા માટે કહેતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. દરમિયાન, તેની પાસેનું તિક્ષ્ણ હથિયાર કાઢીને કાળુભાઈને ખભા પર પાછળના ભાગે મારી દીધું હતું. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, આ જ સમયે અચાનક ટ્રેન વાસદ પાસે ધીમી પડતાં હુમલાખોર વાસદ પાસે ઉતરી ગયો હતો. જોકે, ટ્રેન વાસદ પાસે ઉભી રહી નહોતી. આણંદ આવતાં જ ટ્રેન ઉભી રહેતા યુવકે આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

Advertisement