નડિયાદ ભાદરણ રેલ્વે લાઇનને બ્રોડગ્રેજ ફેરવવા માટે રેલ્વે વિભાગ પુન: કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પેટલાદના પાળજ ગામની સીમમાંથી રેલ્વે લાઇન પસાર થાય છે. જેથી પાળજ ગામે રેલ્વે સ્ટેશન ઉભુ કરીને સ્ટોપેજ આપવામાં આવે તો ગ્રામજનો નડિયાદ જવા માટે સરળતા રહે તેમ છે.
પેટલાદ તાલુકાના પાળજ ની સીમમાંથી રેલ્વે પસાર થતી હોવા છતાંય રેલ્વે સ્ટેશન આપવામાં આવ્યું નથી. પાળજ ગામની 11 હજાર ઉપરાંતની વસ્તી છે.ત્યારે પાળજના લોકોને નડિયાદ સહિત અમદાવાદ તરફ જવા માટે સીધી કનેકશન મળે તેમ છે. હાલમાં કેટલાંક યુવકો નડિયાદ અને અમદાવાદ નોકરી ધંધા અર્થે જાય છે. તેઓને નડિયાદ જવા સરળતા રહે તેમ છે. તેમજ અમદાવાદની ટ્રેન નડિયાદથી પકડી શકે તેમ છે.
આ ઉપરાંત પાળજ ના ક્ષત્રિય, પટેલ સહિત તમામ સમાજના લોકો સામાજીક સંબંધોથી આ લાઈન પર આવતા કઠાણા, મલાતજ, ડભોઉ, નડિયાદ વિગેરે ગામો સાથે જોડાયેલ છે.આ અંગેની રજૂઆત પાળજ લોક સેવા સમિતી ના પ્રમુખ નગીનભાઇ પટેલ અને વરિષ્ઠ નાગરિક રઘુભાઈ પંડયા દ્વારા ભારત સરકારને સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હાલમાં નેરોગેજની લાઈન કાઢી લઈને રેલવે તંત્ર દ્વારા બ્રોડગેજની લાઈન માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.