ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત ધોરણ–૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા-૨૦૨૬ આગામી તા. ૦૫/૦૨/૨૦૨૬ થી તા. ૧૬/૦૨/૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. આણંદ જિલ્લામાં આ પરીક્ષા કુલ ૫ (પાંચ) કેન્દ્રો પર નક્કી કરાયેલા ૧૩ (તેર) પરીક્ષા સ્થળો ખાતે લેવામાં આવશે.
પરીક્ષાના સુચારૂ સંચાલન અને આયોજનના ભાગરૂપે એન. એસ. પટેલ આર્ટસ કોલેજ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કામીનીબેન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને એક માર્ગદર્શન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા પ્રક્રિયામાં જોડાયેલા તમામ અધિકારીઓ અને સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી અને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ બેઠકમાં ઝોનલ અધિકારી હેમંતકુમાર પટેલે પરીક્ષાને લગતું ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એ.ઈ.આઈ. રિયાઝ દિવાને કર્યું હતું, જ્યારે બેઠકના અંતે મદદનીશ ઝોનલ અધિકારી પ્રિતિબેન સોનારાએ આભારવિધિ કરી હતી.
આ પ્રાયોગિક પરીક્ષામાં રસાયણ વિજ્ઞાનમાં ૩૮૦૬ વિદ્યાર્થીઓ, ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૩૮૦૫ વિદ્યાર્થીઓ અને જીવવિજ્ઞાન વિષયમાં ૨૩૧૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી, આણંદની યાદીમાં જણાવાયુ છે