Advertisement

તારાપુરના કસ્બારા પાસે ટ્રકની પાછળ દારૂ ભરેલી કાર ઘુસી જતાં ચાલકનું મોત

તારાપુરના કસ્બારા પાસે ટ્રકની પાછળ દારૂ ભરેલી કાર ઘુસી જતાં ચાલકનું મોત

તારાપુરના કસ્બારા ગામ પાસે મંગળવારે પરોઢીયે એક કાર આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે ચાલકનું ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે તેની પાસે બેઠેલા ઈસમને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અકસ્માતગ્રસ્ત કારમાંથી રૂપિયા 1.18 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બંને શખસો છોટાઉદેપુરથી દારૂ ભરીને ભાવનગર જતા હતા.

ભાવનગરમાં રહેતા દશરથભાઈ ભવાનભાઈ પરમાર સોમવારે સાંજે અંકલેશ્વરથી ટ્રકમાં લોખંડનો ભંગાર ભરીને ભાવનગર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન, સવારે પોણા પાંચ વાગ્યાની આસપાસ તેઓ તારાપુરના કસ્બારા ગામ સ્થિત બલદેવ હોટલથી વટામણ તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી કાર તેમની ટ્રક પાછળ અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાલકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની બાજુમાં બેઠેલા ઈસમને ગંભીર ઈજા પહોંચી હતી. જેને તુરંત જ આસપાસમાં ભેગા થયેલા લોકો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કારમાં તપાસ કરી હતી. જેમાં કારમાંથી રૂપિયા 1.18 લાખની કિંમતનો 600થી વધુ નંગ બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક શખસ છોટાઉદેપુરનો પેલીયા તિસ્મા ડુંગરીયા અને ઈજાગ્રસ્ત શખસ ભાવનગરનો હર્ષદ ભીમજી ગુજરીયા હોવાનું ખૂલ્યું હતું. બંને જણાં છોટાઉદેપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ભાવનગર તરફ જતા હતા. પોલીસ દ્વારા મોડી સાંજે આ બનાવમાં પ્રોહિબિશનનો અલગથી ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધર છે.

Advertisement