Advertisement

ડી.એન. હાઈસ્કૂલમાં વીર બાલ દિવસ ઉજવાયો

ડી.એન. હાઈસ્કૂલમાં વીર બાલ દિવસ ઉજવાયો

આણંદ જિલ્લામાં વીર બાલ દિવસની ઉજવણી પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં ડી.એન. હાઈસ્કૂલના મહાત્મા ગાંધી હોલ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતમાં દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ શીખ ધર્મના દસમા ગુરુ ગોબિંદસિંહજીના બે નાના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને સાહિબજાદા ફતેહ સિંહજીના અદ્ભુત શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે.

પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મોગલ શાસક ઔરંગજેબના સમયમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હતું. ગુરુ ગોબિંદ સિંહજીએ ધર્મની રક્ષા માટે ખાલસા પંથની સ્થાપના કરી હતી. આ સમયગાળા દરમિયાન ગુરુજીએ પરિવાર સાથે આનંદપુર સાહિબ છોડવું પડ્યું હતું. ચમકૌરના યુદ્ધમાં ગુરુજીના મોટા બે પુત્રો વીરગતિ પામ્યા હતા.

ત્યારબાદ ગુરુ ગોબિંદ સિંહજી તેમની માતા ગુજરીજી અને બે નાના પુત્રો સાથે આગળ વધ્યા હતા, પરંતુ સરસા નદી પાર કરતી વખતે પરિવાર અલગ પડી ગયો હતો. બે નાના સાહિબજાદા અને માતા ગુજરીજીને ગુરુજીના વફાદાર નોકર ગંગુ બ્રાહ્મણે આશરો આપ્યો હતો. જોકે, તેણે લાલચમાં આવી મોગલ અધિકારીઓને જાણ કરી દીધી હતી. પરિણામે ત્રણેયને પકડીને સરહિંદના સુબા વઝીર ખાન પાસે લઈ જવામાં આવ્યા હતા.

વઝીર ખાને નાના સાહિબજાદાઓને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ અને ધમકી આપી હતી. નાની ઉંમર હોવા છતાં બંને સાહિબજાદાઓ અડગ રહ્યા અને જણાવ્યું કે તેઓ ગુરુ ગોબિંદ સિંહજીના પુત્રો છે અને ક્યારેય ધર્મનો ત્યાગ કરશે નહીં.

આખરે વઝીર ખાનના આદેશથી બંને સાહિબજાદાઓને જીવતા દીવાલમાં ચણી દેવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટનાનો આઘાત સહન ન કરી શકતાં માતા ગુજરીજીએ પણ પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. આ બે વીર બાળકોના બલિદાનથી આજના બાળકોને ધર્મ, સત્ય અને ન્યાય માટે અડગ રહેવાની પ્રેરણા મળે છે.

કાર્યક્રમ સ્થળે સંસ્થાના પટ્ટાગણમાં સાહિબજાદાઓના બલિદાનની ગાથા વર્ણવતા સ્ટેન્ડી પણ ઉભા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં વીર બાલ દિવસની ઉજવણીનો હેતુ દર્શાવતો વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

Advertisement