ટેસ્ટિંગ દરમ્યાન પાઇપ ફાટી, હજારો લીટર પાણી વેડફાયું
આણંદ પાયોનિયર હાઇસ્કૂલ પાસે જાહેર,માર્ગ પર ફિલ્ટરેશન પ્લાન્ટની પાઇપ લાઇનનું ટેસ્ટીંગ વખતે ભંગાણ સર્જાયું હતું.જેના કારણે પાણીની રેલમછેલ થઇ જતાં સ્થાનિકોને હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો. ગુરૂવારે પાઇપ લાઇનના સમાર કામ માટે ખોડા ખોદમાં આવતાં 60 ફૂટનો માર્ગ માત્ર 20 ફૂટનો બની ગયો હોવાથી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરમાં શુદ્વ પીવાનું પાણી વિતરણ કરવાનો મનપાએ નિર્ણય કર્યો છે. ત્યારે તંત્રએ શહેરના બોરસદ ચોકડી ,ગણેશ ચોકડી , અમૂલ ડેરી રોડ સહિત ભાલેજ ઓવરબ્રિજ વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન નાંખવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.જેના ભાગરૂપે ટીમોએ બુધવારે આણંદ પાયોનિયર હાઇસ્કૂલ વિસ્તારમાં પાણી વિતરણ માટે ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પરંતુ માર્ગ પર પાણીની પાઇપ લાઇન લીકેજ થતાં સમગ્ર વિસ્તારમાં પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.ગુરૂવારનો રોજ ખાડો ખોદીને સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવાનો વખત આવે છે.આ અંગે તંત્રની ટીમોએ જણાવેલ કે ટેસ્ટીંગની કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર વિસ્તારમાં પાણી વિતરણ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.