Advertisement

જીવતો માણસ ‘મૃત’ બતાવ્યો, ખંભાતમાં ખોટા પેઢીનામાના આધારે પ્લોટ વેચી દીધો

જીવતો માણસ ‘મૃત’ બતાવ્યો, ખંભાતમાં ખોટા પેઢીનામાના આધારે પ્લોટ વેચી દીધો

ખંભાત શહેરના વ્હોરવાડમાં મુંબઈના રહીશનો પ્લોટ મુંબઈના જ શખસે જીવિત હોવા છતાં પણ મૃત્યુ પામ્યા હોવાનો બતાવી, મરણનો બનાવટી દાખલો મેળવી લઈ તેના આધારે વારસાઈ અંગેના ખોટા પેઢીનામા બનાવીને પ્લોટ વેચી મારતા સમગ્ર મામલો ખંભાત શહેર પોલીસ સ્ટશને પહોંચ્યો હતો.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતના વ્હોરવાડમાં શબ્બીરભાઈ શૈફુદૃીન ખંભાતી રહે છે. તેમના ઘરની નજીક મુંબઈ ખાતે રહેતા મૂળ ખંભાતના ઐયુબ ઈસુબઅલી ઉર્ફે ઐયુબભાઈ અબ્બાસ હુસૈનઅલીનો ખુલ્લો પ્લોટ આવેલી છે. જેની દેખરેખ રાખવા માટે તેમને પાવર ઓફ એટર્ની કરી આપ્યો હતો. વર્ષ 2025ના મે મહિનામાં કેટલાંક મજૂરો આવ્યા હતા અને પ્લોટની સાફ-સફાઈ કરવા લાગ્યા હતા. જેથી તેમને પૂછતાં તેમણે માલિક ઝુઝર અઝલેઅબ્બાસ મુનસીફે મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે શબ્બીરભાઈએ ઝુઝર મુનસીફનો સંપર્ક કરતા તેમણે આ પ્લોટ મુંબઈના સાંતાક્રૂઝ વેસ્ટ ખાતે રહેતા યાસ્મીન યુસુફ મસાલાવાલા પાસેથી વેચાણ રાખ્યો હોવાની હકીકત જણાવી હતી.

જેથી શબ્બીરભાઈએ ખંભાતની સીટી સર્વેની કચેરીમાં જઈને તપાસ કરી હતી. તમામ ડોક્યુમેન્ટસના આધારે તપાસ કરતા યાસ્મીન મસાલાવાલાએ પ્લોટના મૂળ માલિક ઐયુબભાઈ જીવિત હોવા છતાં પણ તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવી બનાવટી મરણનો દાખલો મેળવ્યો હતો. આ મરણના દાખલાના આધારે તેણે ખોટા વારસાઈ અંગેના ખોટા પેઢીનામું બનાવી પોતાના નામે વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો.

ઐયુબભાઈને આ વાતની જાણ કરતા તેમણે યાસ્મીન મસાલાવાળાને ઓળખતા પણ ન હોવાનું જણાવ્યું હતું. આમ, પોતાની જાણ બહાર ત્રાહિત વ્યક્તિ દ્વારા બારોબાર યાસ્મીન મસાલાવાળા દ્વારા ખોટું પેઢીનામું બનાવીને પ્લોટ વેચી માર્યો હતો. આ અંગે ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈ અને બનાવટી ડોક્યુમેન્ટસની કલમ હેઠળ ગુનો નોંધી શખસને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Advertisement