જગદીશ વિશ્વકર્માની આણંદ મુલાકાત: કમલમથી અક્ષરફાર્મ સુધી ભવ્ય બાઈક રેલી
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજરોજ આણંદની મુલાકાતે આવ્યાં છે. જગદીશ વિશ્વકર્માએ સૌપ્રથમ વલાસણ સ્થિત મેલડી માતા મંદિરમાં અને ત્યારબાદ આણંદ શહેરમાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ અંબાજી માતાના મંદિરમાં દર્શન કરી, આશીર્વાદ મેળવ્યાં હતાં. જે બાદ તેઓ નાવલી સ્થિત ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે બેઠક યોજી હતી.
જે બાદ ભાજપ કાર્યાલય 'કમલમ' થી ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં. આ બાઈક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને અક્ષરફાર્મ ખાતે પહોંચી હતી.
અક્ષરફાર્મ ખાતે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ અભિવાદન સમારોહમાં આણંદના સાંસદ મિતેષ પટેલ, કેબિનેટ મંત્રી રમણ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, ધારાસભ્યો, સંતો-મહંતો ઉપરાંત આણંદ સહિત સમગ્ર જિલ્લામાંથી ભાજપના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
સામાન્ય રીતે કોઈપણ મહેમાનનું બુકે અથવા તો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવે છે. પરંતુ, જગદીશ વિશ્વકર્માએ બુકે ને બદલે બુક આપી સ્વાગત આપવાનો સંકલ્પ શરૂ કર્યો છે. જે અંતર્ગત આજરોજ આણંદ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા 75 હજાર જેટલા ફુલસ્કેપ ચોપડા આપી, જગદીશ વિશ્વકર્માનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ચોપડા આણંદ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે.