ચીખોદ્રા ચોકડી નજીક સ્ક્રેપની દુકાનમાં આગ:ફાયરબ્રિગેડની ત્વરિત કામગીરીથી આગ કાબૂમાં, માલિકને નુકસાન
આણંદ શહેરના ચિખોદ્રા ચોકડી વિસ્તારમાં લકી સ્ક્રેપ ટ્રેડર્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સમીરઅલી બરકતઅલી જસાણીની માલિકીની આ દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરબ્રીગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર ડ્રાયવર પ્રદીપસિંહ સોલંકી, ફાયરમેન સતીષ બામરીયા અને યુવરાજસિંહ રાઠોડ સહિત ત્રણ તાલીમી ફાયરમેને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે, દુકાનમાં રહેલો માલસામાન બળી જવાથી માલિકને નોંધપાત્ર નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.