Advertisement

ચરોતરના 56 મૃતકના પરિવારના સભ્યોના ત્રણ દિવસથી અમદાવાદ સિવિલમાં ધામા

ચરોતરના 56 મૃતકના પરિવારના સભ્યોના ત્રણ દિવસથી અમદાવાદ સિવિલમાં ધામા

અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ દુર્ઘટનામાં આણંદ ખેડા જિલ્લાના 56 લોકો ભોગ બન્યા છે. જેને લઇને ચરોતરના ગામે ગામથી પોતાના સ્વજનોને શોધવા માટે પરિવારજનો અમદાવાદ દોડી ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં અફરાતફરી વચ્ચે પોતાના સ્વજનોની ભાળ મેળવવાની રઝળપાટ બાદ તેમના મૃત્યુના સમાચાર મળતા હવે પરિવારજનો મૃતદેહ મળે તેની રાહમાં છેલ્લા ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલમાં જ બેસી રહ્યા છે.

ડીએનએ ટેસ્ટ થયા બાદ હાલમાં આણંદ, નડિયાદ, ખંભાત, સોજિત્રા, સહિત ગામેગામના સ્વજનો મૃતદેહ ક્યારે આપવાની રાહ જોઇ રહ્યાં છે. તો કોઇ પરિવારે દિકરો કોઇ દિકરી ગુમાવી તો કોઇ માતાપિતા ,કોઇ બહેન ગુમાવી હતી તેવા પરિવાર સ્વજનો હોસ્પિટલમાં આખી રાત ચોધાર આંસુ વચ્ચે વીતાવી હતી. ક્યારે આપણા દિકરા દિકરી કે માતાપિતાનું નામ બોલે તેની રાહ જોતા ગુમસુમ બેઠેલા જોવા મળ્યા હતા.

જ્યારે કેટલાંક યુવક યુવતીઓ લંડનથી ફલાઇટમાં ઉતર્યા બાદ સિવિલમાં પોતાના સ્વજનને શોધવા માટે હાફળાફાફળા આંટા મારતાં જોવા મળ્યા હતા પરિવારના સભ્યો વારાફરતી સિવિલ હોસ્પિટલમાં જ્યાંથી મૃતદેહો આપવામાં આવે તે જગ્યાએ બેસી રહ્યા છે. હોસ્પિટલમાં ઉદાસ ચહેરા વચ્ચે વારંવાર ભિંજાતી આંખો અને ચિંતા વચ્ચે સ્વજનોના મૃતદેહ મળવાની રાહ જોતાં પરિવારોની ભીડ જોવા મળી રહી છે.

અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં નડિયાદ,ખેડા, આણંદ, લાંભેવલ, ખંભાત, સોજિત્રા, જિલ્લાના મુસાફરોના પણ કરુણ મોત નીપજયા છે. પોતાના સ્વજનોને હસતા ચહેરે વિદાય આપીને હજી તો પરિવાર ઘરે પણ નહોતો પહોંચ્યો ત્યાં દુર્ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો પરત અમદાવાદ દોડી ગયા હતા.

ભયાવહ સ્થિતિમાં પણ પોતાના સ્વજનોને શોધવાની દોડધામને અંતે તમામ મુસાફરોના મૃત્યુની જાણ થતાં પરિવારજનો ભાંગી પડ્યા હતા. પોતાના સ્વજનોને આ દુર્ઘટનામાં ગુમાવનાર પરિવારજનો ઘટના બની તે દિવસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વારાફરતી બેસી રહે છે અને ક્યારે ડીએનએ ટેસ્ટનું પરિણામ આવે અને મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે.

હજી સુધી મુસાફરોનું લગેજ પણ પરિવારજનોને મળ્યું નથી. ત્રણ દિવસથી જ્યાંથી મૃતદેહો આપવામાં આવી રહ્યા છે ત્યાં વારાફરતી પરિવારના સભ્યો બેસી રહ્યા છે. શનિવારે દુર્ઘટના બાદ સૌથી પહેલો મૃતદેહ ડાકોરના પૂર્ણિમાબેન પટેલ નો તેમના પરિવારજનોને સોંપવામાં આવતા હવે અન્ય મૃતદેહો પણ સોંપવામાં આવશે તેવી આશા સાથે પરિવારજનો દિવસ રાત સિવિલ હોસ્પિટલમાં જ પસાર કરતા જોવા મળી રહ્યા છે.

જે સ્થિતિમાં મળે એ સ્થિતિમાં સ્વજનના દેહને ઘરે લાવી અને તેમને અંતિમ વિદાય આપવાની ખેવના પરિવારજનો રાખી રહ્યા છે.

અમે ત્રણેય મૃતદેહ સાથે લઇને ઘરે જવાના છીએ

વાસદના રજનીકાન્ત પટેલ સહિત ત્રણના મોત પ્લેન દુર્ઘટનામાં થયા હતા. જેથી તેમના પરિવારના પાર્થ પટેલ સહિત લોકો હોસ્પિટલમાં દોડી ગયા હતા. જો કે બેના ડીએનએ ટેસ્ટ થયા છે. જ્યારે કાકીનો બાકી છે. જે લંડનની તેમના સંબંધી આવે ત્યારે થશે. પાર્થ પટેલ કહ્યું હતું કે, અમે ત્રણેય મૃતદેહ સાથે લઇને વાસદ જવાના છે.

Advertisement