Advertisement

ગુજરાત પોલીસને નવા વડા મળવાના સંકેત, વિકાસ સહાયની વિદાય તૈયારી

ગુજરાત પોલીસને નવા વડા મળવાના સંકેત, વિકાસ સહાયની વિદાય તૈયારી

 ગુજરાત પોલીસ બેડામાં આજે મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. રાજ્યના પોલીસવડા (DGP) વિકાસ સહાયનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. અગાઉ તેમને એક્સ્ટેન્શન મળ્યું હતું, પરંતુ હવે નવા એક્સ્ટેન્શનની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોય તેવું લાગે છે.

વિદાય સમારંભની તૈયારીઓ

વિકાસ સહાયની નિવૃત્તિને લઈ રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ ભવનના તમામ કર્મચારી, અધિકારીઓને વર્દીમાં આવવા સૂચના અપાઈ છે. પોલીસ વડા તરીકે વિકાસ સહાયને અપાયેલું 6 મહિનાનું એક્સટેન્શન આજે પૂર્ણ થશે. નવા પોલીસ વડાના નામની જાહેરાત મોડી સાંજ સુધીમાં થાય તેવી શક્યતા છે. ગુજરાતના વર્તમાન ડીજીપી વિકાસ સહાયને જૂન મહિનામાં રાજ્ય સરકાર દ્વારા અંતિમ ઘડીએ 6 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. જેનો સમયગાળો આજે પૂર્ણ થઈ રહ્યો છે. વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે તેમને ફરીથી મુદત વધારો મળી શકે છે. પરંતુ ગાંધીનગર કન્ટ્રોલરૂમ દ્વારા પોલીસ ભવનના સ્ટાફને ઉદ્દેશીને પરિપત્રિત કરાયેલા એક આંતરિક પત્ર બાદ હવે તેમની વિદાય નિશ્ચિત મનાઈ રહી છે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નવા ડીજીપી તરીકે આ નામ ચર્ચામાં

વિકાસ સહાયની નિવૃત્તિ બાદ તેમના અનુગામી તરીકે ડૉ. કે.એલ.એન. રાવનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેઓ 1992ની બેચના સિનિયર IPS અધિકારી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેઓ M.Sc માં PhD ની ડિગ્રી ધરાવે છે. હાલમાં તેઓ CID ક્રાઈમ (CID Crime) ના ડીજીપી તરીકે કાર્યરત છે. ભૂતકાળમાં તેમણે લાંબા સમય સુધી ગુજરાતની જેલોના વડા (Prisons Head) તરીકે પણ નોંધપાત્ર ફરજ બજાવી છે. કે.એલ.એન.રાવ હાલમાં સીઆઈડી ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવે છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકનું નામ પણ DGP તરીકે ચર્ચામાં છે.

ઈન્ચાર્જ DGPની નિમણૂકની પ્રબળ શક્યતા

ગાંધીનગરના વિશ્વસનીય સૂત્રોના દાવા મુજબ, રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે કાયમી નિમણૂક કરવાને બદલે 'ઈન્ચાર્જ ડીજીપી' (In charge DGP) ની વ્યવસ્થા અપનાવી શકે છે. આ સંજોગોમાં ડૉ. રાવને ઈન્ચાર્જ તરીકે રાજ્યના પોલીસ દળની કમાન સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. સરકાર આજે સાંજ સુધીમાં આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી શકે છે.

Advertisement