ગુજરાતમાં NMMS પરીક્ષા: 2.18 લાખ ધોરણ-8ના વિદ્યાર્થીઓ ભાગ લેશે, 4 વર્ષ માટે દર મહિને 1,000 શિષ્યવૃતિ
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMS પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-8માં અભ્યાસ કરતા કુલ 2 લાખ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. આ પરીક્ષા રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં આવેલા કુલ 861 પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે, જેમાં 7604 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યભરમાંથી કુલ 2,18,305 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભર્યા હતા.
કોણ આપી શકે છે NMMSની પરીક્ષા NMMS શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વાલીની વાર્ષિક આવક સાડા ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટના આધારે પસંદગી કરવામાં આવે છે. પરીક્ષા બાદ રાજ્યના કુલ 5097 વિદ્યાર્થીઓની મેરિટ મુજબ પસંદગી થશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા મુજબ કુલ 48 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.
મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને મળે છે દર મહિને 1,000ની રૂપિયાની સબસિડી આજે વહેલી સવારથી જ અનેક શાળાઓના શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. મેમનગર પ્રાથમિક શાળાના શિક્ષક રોનક પટેલે જણાવ્યું હતું કે, આજે ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે NMMS શિષ્યવૃત્તિની મહત્વપૂર્ણ પરીક્ષા છે. આ પરીક્ષા દ્વારા બાળકોને ચાર વર્ષ માટે દર મહિને એક હજાર રૂપિયા મુજબ શિષ્યવૃત્તિ મળે છે. સમગ્ર ગુજરાતમાંથી બે લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે.
વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષા અંગે ઉત્સાહ જોવા મળ્યો. મેમનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઇશિકાએ જણાવ્યું કે, હું આજે NMMS ની પરીક્ષા આપવા મીરાંબિકા સ્કૂલમાં આવી છું. અમારી તૈયારી બહુ સારી છે અને શિક્ષકોએ અમને ખૂબ સારી રીતે તૈયાર કરાવ્યા છે. અન્ય વિદ્યાર્થીની પ્રિયાએ પણ કહ્યું કે, આજે અમારી NMMS ની એક્ઝામ છે.