Advertisement

ગુજરાતમાં લમ્પીનો કહેર, 300 પશુ સંક્રમિત

ગુજરાતમાં લમ્પીનો કહેર, 300 પશુ સંક્રમિત

ગુજરાતમાં લમ્પીનો કહેર, 300 પશુ સંક્રમિત

રાજ્યમાં પશુઓમાં લંપી જેવા ઘાતક રોગો ફરીથી પગ પેસારો કરી રહ્યા છે. ખાસ કરીને ગાયોમાં જોવા મળતા આ રોગને લઈને સરકાર તેમજ પશુપાલન વિભાગ જાગૃત બની છે. કૃષિ અને પશુપાલન મંત્રીએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું કે, હાલમાં રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં લંપી રોગના કેસ નોંધાયા છે.

કુલ મળેલા આંકડા પ્રમાણે લગભગ 300 જેટલા પશુઓ આ રોગથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 250 જેટલા પશુઓ સ્વસ્થ થઈને ફરી નોર્મલ સ્થિતિમાં આવી ગયા છે, જ્યારે 8 પશુઓના મોત થયા છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે રોગના પ્રસરવાથી પશુઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને દરેક જિલ્લા અને તાલુકા સ્તરે પશુપાલન વિભાગની ટીમો મોટે ભાગે કામ કરી રહી છે.

કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યના 4 જિલ્લાઓમાં હાલ લંપી રોગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયો છે. છતાં, બીજાં જિલ્લાઓમાં પણ તકેદારીના ભાગરૂપે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લંપી જેવી બીમારી ગંભીર હોવા છતાં સમયસર સારવાર અને રસીકરણથી સંપૂર્ણ નિયંત્રણમાં લાવી શકાય છે, એ વાત પર પણ અધિકારીઓ અને પશુપાલન નિષ્ણાતોએ ભાર મૂક્યો છે.

આ સંદર્ભે સરકારના તંત્રો દ્વારા પશુ ચિકિત્સકોની એક બેઠક પણ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં લંપી સહિતના પશુ રોગોની અસર, સારવારની પદ્ધતિઓ અને આગળની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે. વિવિધ પશુ ચિકિત્સા નિષ્ણાતો દ્વારા લંપી સામે વધુ અસરકારક ઉપાયો અને કિસ્સા આધારિત ઉદાહરણો રજૂ કરવામાં આવશે જેથી જિલ્લાના તબક્કે વધુ અસરકારક રીતે રોગને કાબૂમાં લઈ શકાય. સરકારના પ્રયાસો અને પશુપાલન વિભાગની જાગૃતિથી ખેડૂતો અને પશુપાલકોમાં પણ સાવચેતી વધી છે. તેમને પણ જાગૃત કરવામાં આવી રહ્યાં છે કે જો પશુમાં લંપી જેવા લક્ષણો દેખાય તો તરત નજીકની પશુ દવાખાને સંપર્ક કરે અને વધારે રાહ ન કરે.

Advertisement