ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયામાં ન જવા સૂચના
ગુજરાત પર હાલ એક સાથે પાંચ – પાંચ વરસાદી સિસ્ટમો સક્રિય હોવાના કારણે આજે સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દરિયા કાંઠા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઘેડ પંથકમાં હવે ડેમ અને નદીના પાણી ગામમાં ધુસવા લાગતા સ્થિતિ વધુ ભયાનક બની જવા પામી છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 250 પૈકી રર6 તાલુકાઓમાં વરસાદ પડયો હતો સવારથી રાજયભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. કયાંક ધીંગી ધારે તો કયાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર ગુજરાત પર હાલ પાંચ – પાંચ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી ચાર દિવસ સુધી રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના રહેલી છે. આજે દેવભુમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, મોરબી, રાજકોટ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની સંભાવના રહેલી છે. જેને ઘ્યાનમાં રાખી માછીમારોને ચાર દિવસ સુધી દરિયો ન ખેડવા પણ તાકીદ કરવામાં આવી છે.
ગુજરાતના દરિયા કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. હેડ કવાર્ટર ન છોડવા અને સતત એલર્ટ મોડ પર રહેવાની સુચના આપી દેવામાં આવી છે. ડેમ ઓવર ફલો થઇ રહ્યાં છે. નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. એનડીઆર એફ અને એસડીઆરએફની ટીમો દ્વારા વરસાદથી પ્રભાવીત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.