ગુજરાતમાં કાતિલ ઠંડી અને સુસવાટા મારતા પવન વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયા બાદ ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પારો ગગડીને 5 ડિગ્રી સુધી પહોંચવાની અને ફેબ્રુઆરીમાં ખેતી પાકો પર ‘હિમ’ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડી આજે પણ યથાવત્ રહી હતી. આજે 9 ડિગ્રી સાથે પોરબંદર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન સામાન્ય વધી 14 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ હટી જતાં ઠંડા પવનનો માર્ગ મોકળો થયો છે. જેના કારણે આગામી સમયમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ અને રાત્રિ દરમિયાન ક્યાંક 5 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ તરફ કચ્છમાં 8થી 10 ડિગ્રી અને મધ્ય ગુજરાતમાં 14થી 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 26 અને 27 જાન્યુઆરીએ વધુ એક પશ્ચિમી વિક્ષોભ સક્રિય થતાં દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા થશે. જેની અસર રૂપે ગુજરાતના કચ્છ સહિતના વિસ્તારોમાં 26થી 28 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદે આવેલા વિસ્તારોમાં ક્યાંક હળવા છાંટા પડવાની પણ શક્યતા છે. જોકે, આ સિસ્ટમ બહુ મજબૂત ન હોવાથી તે હટ્યા બાદ ફેબ્રુઆરીમાં ફરી ઠંડીનો ચમકારો વધશે.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 4થી 8 ફેબ્રુઆરી દરમિયાન વધુ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. આ સમયે અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજને કારણે હવામાનમાં પલટો આવશે.
આબુમાં કાતિલ ઠંડીનો પ્રકોપ, તાપમાન -4 ડિગ્રી
માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. શનિવારે માઉન્ટ આબુમાં 15 ડિગ્રીના ઘટાડા સાથે તાપમાન માઇનસ ૭ ડિગ્રી નોંધાયું હતું. રવિવારે પણ ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો હતો. જોકે, સામાન્ય સુધારા સાથે તાપમાન માઇનસ ૪ ડિગ્રી નોંધાયું હતું. ગુરુશિખરે લઘુતમ તાપમાન માઇનસ ૬ ડિગ્રી રહ્યું હતું.
રાજ્યના વિવિધ શહેરના તાપમાન
અમદાવાદ 14.0
અમરેલી 9.4
વડોદરા 14.8
ભૂજ 10.0
દાહોદ 14.2
ડીસા 10.0
દ્વારકા 14.0
ગાંધીનગર 13.0
જામનગર 13.9
કંડલા 11.0
નલિયા 10.4
પોરબંદર 9.0
રાજકોટ 9.2
સુરત 14.8