ખેડા- ધોળકા હાઈવે અવર- જવર માટે બંધ : કેડ સમા પાણી ભરાતા રસિકપુરા, નાની કલોલી અને પથાપુરા ગામ સંપર્ક વિહોણા
નડિયાદ : ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી કિનારાના રસિકપુરા, નાની કલોલી અને પથાપુરા ગામોમાં કેડસમા પાણી ભરાયા છે. પરિણામે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. પૂરના પાણી ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે પર પણ ફરી વળતા તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પૂરને કારણે ૧૦ કિલોમીટરના વિસ્તારમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે અને સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ ગંભીર બની છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં છેલ્લા બે દિવસથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા ખેડા તાલુકાના નદી કિનારાના સંખ્યાબંધ ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એક લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડાના રસિકપુરા, નાની કલોલી, અને પથાપુરા જેવા ગામોમાં પાણી ઘૂસી ગયા છે.
આ ગામોમાં હાલ કેડસમા પાણી ભરાયા છે. જેના કારણે આ ગામોનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પૂરના કારણે નદીના આસપાસના ૧૦ કિલોમીટરના વિસ્તારના ખેતરો પણ જળમગ્ન બન્યા છે. ત્યારે ડાંગર, તમાકુ સહિતના ખેતીના પાક કહોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
સાબરમતી નદીમાં આવેલા પૂરના કારણે ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયો છે. ગઈકાલે સાંજે વહીવટી તંત્ર દ્વારા આ હાઈવે પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ ખેડા-ધોળકા હાઈવે પર રસિકપુરા ગામ નજીકથી સાબરમતી નદીના પાણી પસાર થઈ રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહન ચાલકો હાઈવે ઉપર આગળ ન જાય તે માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.